તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 5th January 2026
‘‘સાહેબ, હજી હું જીવતો છું'' પોતે જીવિત હોવાના પુરાવા સાથે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે વૃદ્ધો!
મુઝફફરપુર જિલ્લામાં એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : સરકારી રેકોર્ડમાં જીવતા લોકોને ‘મૃત' જાહેર કરી દેવાયા : પોતાના હકના વૃદ્ધા પેન્શન માટે આ વૃદ્ધોને આજે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે

મુઝફફરપુર તા.૫: ‘‘સાહેબ, હું હજી જીવતો છું!'' બિહારમાં સરકારની સંવેદનહીનતા હવે માનવતા પર સવાલો ઊભા કરી રહી છે. મુઝફફરપુર જિલ્લામાં એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી રેકોર્ડમાં જીવતા લોકોને ‘મૃત' જાહેર કરી દેવાયા છે. પોતાના હકના વૃદ્ધા પેન્શન માટે આ વૃદ્ધોને આજે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે અને કહેવું પડી રહ્યું છે કે ‘‘અમે મર્યા નથી, હજી જીવતા છીએ.''
આ વૃદ્ધોને વર્ષોથી નિયમિત મળતું વૃદ્ધા પેન્શન અચાનક બંધ થઈ ગયું. શરૂઆતમાં તેઓને લાગ્યું કે કદાચ બેંકની કોઈ ટેકનિકલ સમસ્યા હશે, પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. સરકારી ડોક્યુમેન્ટમાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેમની પેન્શન ફાઈલ કાયમ માટે બંધ કરી દેવામાં આવી હતી.
બિહારમાં સરકારી કર્મચારીઓની બેદરકારીને કારણે આવું પહેલીવાર નથી બન્યું. થોડા દિવસ પહેલાં કુઢણી તાલુકામાં પણ આવા જ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. હવે સકરા તાલુકાના રામપુર કૃષ્ણા પંચાયત હેઠળ આવેલા હરિપુર કૃષ્ણા ગામમાં ઘણા વૃદ્ધોને કાગળોમાં ‘મૃત' બતાવવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓની બેદરકારીની સજા આજે ગરીબ અને નિરાધાર વૃદ્ધોને ભોગવવી પડી રહી છે.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો, જ્યારે હરિપુર કૃષ્ણા ગામના રામદેવ રામ અને આનંદી દાસ જેવા વૃદ્ધો પોતાનું પેન્શન ઉપાડવા બેંક પહોંચ્યા. લાંબા સમયથી પેન્શનની રાહ જોઈ રહેલા આ વૃદ્ધો જ્યારે કાઉન્ટર પર ઊભા રહ્યા, ત્યારે બેંક કર્મચારીઓએ જણાવ્યું કે તેમને સરકારી કચેરી દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વાત સાંભળીને તેઓના હોશ ઉડી ગયા.
પીડિત વૃદ્ધોએ રડતાં રડતાં પોતાની વ્યથા વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે, સરકારનું પેન્શન જ તેમના જીવનનો એકમાત્ર સહારો છે. હવે તેઓ જીવતા હોવાના પુરાવા - આધાર કાર્ડ, લાઈફ સર્ટિફિકેટ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર કર્મચારીની ભૂલની સજા તેમને માનસિક અને આર્થિક પીડા રૂપે ભોગવવી પડી રહી છે.(૩૮.૨)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
