<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

૧૨મીએ પીએમ અમદાવાદમાં ફલાવર-શો, પતંગ મહોત્‍સવ, ગાંધી આશ્રમ જશે

રિવરફ્રન્‍ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવનું PM મોદી ઉદઘાટન કરે તેવી શક્‍યતા : રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્‍ટ ગુજરાત રિજન ઇન્‍વેસ્‍ટર્સ કોન્‍ફરન્‍સને ખુલ્‍લી મૂક્‍યા બાદ અનેક બિઝનેસ મીટિંગ્‍સ યોજી વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે

 

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર, તા.૦૫: વડાપ્રધાન મોદી આગામી સપ્તાહે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસને પગલે રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્‍ટ ગુજરાત રિજન ઇન્‍વેસ્‍ટર્સ કોન્‍ફરન્‍સના કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને હવે ૧૧મીએ તેને ખુદ વડાપ્રધાન મોદી ખુલ્‍લી મૂકનાર છે. આ કોન્‍ફરન્‍સને ખુલ્‍લી મૂક્‍યા બાદ અનેક બિઝનેસ મીટિંગ્‍સ યોજી વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે. અહીં મહાત્‍મા મંદિર ખાતે યોજાનારી ઇન્‍ડો-ઇયુ સમિટનું ઉદ્ધાટન કરશે. આની સાથોસાથ તેઓ વડાપ્રધાન તરીકે પહેલી વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવનું ઉદ્ધાટન કરે તેવી પણ શક્‍યતાઓ છે. રિવરફ્રન્‍ટના પヘમિી છેડે વલ્‍લભસદન પાસેના ભાગમાં હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર રોડને રિસર્ફેસ કરવાની કામગીરી પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાઇ છે. આ ઉપરાંત આ જ ભાગમાં પાલડી નજીક ઇવેન્‍ટ સેન્‍ટર પાસે શરૂ થયેલા ફલાવર શોની પણ મુલાકાત વડાપ્રધાન લઇ શકે એમ હોવાથી એ દિશામાં સુરક્ષા સહિતની એજન્‍સીએ તૈયારીઓ શરૂ કરી છે.

આ વખતે વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ  સમિટ ગાંધીનગરમાં યોજવાના બદલે ચાર રિજનમાં તેના આયોજનની રૂપરેખા નક્કી કરાઇ હતી. ઓક્‍ટોબર માસમાં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત કેન્‍દ્રિત કોન્‍ફરન્‍સ યોજાઇ અને હવે કચ્‍છ-સૌરાષ્ટ્ર કેન્‍દ્રિત રિજન કોન્‍ફરન્‍સ ૧૧થી ૧૩ જાન્‍યુઆરી દરમિયાન રાજકોટમાં યોજાઇ રહી છે. આ કોન્‍ફરન્‍સને વડાપ્રધાન મોદી ખુલ્‍લી મૂકશે.

આ બધા વચ્‍ચે ઇન્‍ડો-ઇયુ (ભારત-યુરોપિયન યુનિયન) સમિટ મહાત્‍મા મંદિર ખાતે યોજાય તેવી શક્‍યતા છે અને આ સમિટમાં હાજરી આપવા માટે જર્મનીના ચાન્‍સેલર ફેડ્રીચ મર્ઝ ગુજરાત આવનાર છે. આથી વડાપ્રધાન મોદી તેમના સ્‍વાગત માટે સરદાર પટેલ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે ખુદ હાજર રહે તેવી શક્‍યતા છે. હાલ વડાપ્રધાનના કાર્યાલય, વિદેશ મંત્રાલય અને મુખ્‍યમંત્રી કાર્યાલય એમ ત્રણેય વચ્‍ચે સંકલન સાથે જેમ જેમ આયોજનોને આખરી ઓપ અપાય છે તેમ તેમ તૈયારીઓની સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમ કહી સૂત્રોએ જણાવ્‍યું છે કે, વડાપ્રધાનના અમદાવાદમાં રિવરફ્રન્‍ટ તેમજ સાબરમતી આશ્રમની મુલાકાત અંગે સુરક્ષાને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે.

એક માહિતી મુજબ જર્મન ચાન્‍સેલર સાથે વડાપ્રધાન રિવરફ્રન્‍ટ આવી પહોંચે એવી શક્‍યતા છે અને ત્‍યાંથી ફલાવર શોની મુલાકાત લઇ બન્ને મહાનુભાવો એસપી સ્‍ટેડિયમથી મેટ્રો ટ્રેનમાં બેસી મહાત્‍મા મંદિર પહોંચશે. હાલ મેટ્રો ટ્રેન સચિવાલય સુધીના સ્‍ટેશને જાય  છે અને ત્‍યાંથી મહાત્‍મા મંદિર સુધીના બાકીના સ્‍ટેશનો તૈયાર થઇ ગયા છે. જેને વિધિવત રીતે વડાપ્રધાન મારફતે ખુલ્‍લા મૂકાય તે દિશામાં હાલ તૈયારીઓ શરૂ થઇ છે

જાન્‍યુઆરીના બીજા સપ્તાહમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી ૧૨મીએ પોતાની મુલાકાત સંપન્ન કરીને નવી દિલ્‍હી જવા રવાના થશે. એના બીજા દિવસે કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ બે દિવસના પ્રવાસે આવી પહોંચશે. ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ ઉત્તરાયણ પર્વને પોતાના પરિવારજનો, શુભેચ્‍છકો, મતદારો, કાર્યકરો સાથે ઉજવતા આવ્‍યા છે. આથી ૧૩મીએ તેઓ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચશે. ૧૪મીએ અમિતભાઇ પોતાના મતવિસ્‍તારના ચારથી પાંચ સ્‍થાનો પર પતંગની મજા માણવા પહોંચશે. (૪૦.૩)

(10:33 AM IST)