<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સોના-ચાંદીના ૩૭૦ વેપારી, જવેલરી શો રૂમ પર તોલમાપ ખાતાનું ચેકિંગ

૨૫ જિલ્‍લામાં ૨૫૩ જેટલા પ્રોસિક્‍યુશન કેસ કરીને ૬.૭૯ લાખની માંડવાળ ફી વસૂલી : વજનકાંટાની તપાસઃ મુદ્રાંકન સિવાયના વજન માપનો ઉપયોગ સહિતની ગેરરીતિ પકડાઈ : અમદાવાદમાં સૌથી વધુ ૬૧ એકમોની તપાસ સામે ૨૨ કેસ, ભરૂચ-નર્મદામાં ૨૭ એકમોની તપાસ સામે ૨૫ કેસ, જૂનાગઢ-ગીર સોમનાથમાં ૨૧ એકમોની તપાસ સામે ૨૦ કેસ, ભાવનગર બોટાદમાં ૨૦ એકમોની તપાસ દાખલ કરવામાં આવ્‍યા સામે ૧૭ કેસ, સુરતમાં ૧૪ કેસ

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૦૫: તોલમાપ તંત્ર દ્વારા ૨ અને ૩ જાન્‍યુઆરીના રોજ રાજ્‍યના ૩૭૦ જેટલા સોના-ચાંદીના વેપારીઓ અને જવેલરી શો રૂમ પર સામૂહિક આકસ્‍મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્‍યના ૨૫ જિલ્‍લામાં ૨૫૩ પ્રોસિક્‍યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. ૬,૭૯,૦૦૦ જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્‍થળ ઉપર જ E POS-upire payment અને ચેકથી વસૂલવામાં આવી છે. આ તપાસમાં મુખ્‍યત્‍વે અમદાવાદમાં સૌથી વધુ ૬૧ એકમોની તપાસ સામે ૨૨ કેસ, ભરૂચ-નર્મદામાં ૨૭ એકમોની તપાસ સામે ૨૫ કેસ, જૂનાગઢ-ગીર સોમનાથમાં ૨૧ એકમોની તપાસ સામે ૨૦ કેસ, ભાવનગર-બોટાદમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૭ કેસ, સુરતમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૪ કેસ દાખલ કરવામાં આવ્‍યા છે. આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્‍દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિમતનગર, અરવલ્‍લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્‍લાનો સમાવેશ થાય છે.

કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્‍યા મુજબ ઝુંબેશ દરમિયાન રાજ્‍યના અલગ-અલગ સોના-ચાંદીના વેપારીઓ તથા જવેલરી શો રૂમની આકસ્‍મિક તપાસ હાથ ધરતા નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ-કલમોના ભંગ બદલ એકમો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન સોના-ચાંદીના વેપારીઓ તથા જવેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટની તપાસ કરતા ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્‍યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિ સામે આવી છે.(૪૦.૪)

 

(10:34 AM IST)