News of Monday, 5th January 2026
આજથી આધાર વગર સવારે ૮થી સાંજે ૪ વાગ્યા સુધી ટ્રેનની ટિકિટ બુકિંગ નહી
ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમને દલાલો અને નકલી સોફટવેરથી મુકત કરવા માટે રેલ્વેનો નિર્ણય આ મર્યાદા ખાસ કરીને ૬૦ દિવસ પહેલા ખુલતા એડવાન્સ રિઝર્વેશન માટે લાગુ

નવી દિલ્હી, તા.૫: ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમને દલાલો અને નકલી સોફ્ટવેરથી મુક્ત કરવા માટે કડક કમર કસી છે. આજથી એટલે કે ૫ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, જે મુસાફરોએ પોતાના IRCTC એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું, તેઓ રિઝર્વેશન વિન્ડો ખુલવાના પહેલા દિવસે સવારે ૮ થી સાંજે ૪ વાગ્યા સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. આ મર્યાદા ખાસ કરીને ૬૦ દિવસ પહેલા ખુલતા એડવાન્સ રિઝર્વેશન માટે લાગુ કરવામાં આવી છે. રેલવેનો હેતુ એ છે કે જ્યારે બુકિંગ ખુલે ત્યારે જેન્યુઈન મુસાફરોને જ ટિકિટ મળે અને દલાલો ઓટોમેટેડ સોફ્ટવેર દ્વારા સેકન્ડોમાં ટિકિટો હડપ કરી ન જાય.
રેલવે આ નિયમોને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે, જેમાં અત્યારે આપણે બીજા તબક્કામાં છીએ. પ્રથમ તબક્કો ૨૯ ડિસેમ્બરથી શરૂ થયો હતો જેમાં બપોરે ૧૨ વાગ્યા સુધી પ્રતિબંધ હતો, પરંતુ આજથી આ સમય મર્યાદા વધારીને સાંજે ૪ વાગ્યા સુધી કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની તારીખ ૧૨ જાન્યુઆરી છે, કારણ કે તે દિવસથી જો તમારું એકાઉન્ટ આધાર લિંક નહીં હોય, તો તમે સવારથી મધ્યરાત્રિ સુધી ટિકિટ બુક કરી જ નહીં શકો. આ ક્રાંતિકારી ફેરફારને કારણે હવે દરેક બુકિંગ વખતે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે, જે દાખલ કર્યા પછી જ ટિકિટ કન્ફર્મ થશે.
માત્ર ઓનલાઈન જ નહીં, પણ રેલવે કાઉન્ટર પરથી ટિકિટ લેવા માટે પણ હવે નિયમો કડક બન્યા છે. જો તમે સ્ટેશન પર જઈને ટિકિટ બુક કરાવો છો, તો પણ તમારે આધાર સાથે જોડાયેલા મોબાઈલ પર આવતો બ્વ્ભ્ આપવો પડશે. જો તમે પરિવારના કોઈ સભ્ય માટે ટિકિટ બુક કરી રહ્યા હોવ, તો તેમનો આધાર નંબર અને તેમના ફોન પર આવતો OTP પણ અનિવાર્ય રહેશે. આ સિસ્ટમ દ્વારા રેલવે એ સુનિヘતિ કરવા માંગે છે કે જે વ્યક્તિ મુસાફરી કરવાની છે, તેના જ નામે ટિકિટ બુક થાય. આ ઉપરાંત, ૧ નવેમ્બર ૨૦૨૪ થી અમલી બનેલા ૬૦ દિવસના એડવાન્સ રિઝર્વેશનના નિયમને પણ આ નવી સિસ્ટમ સાથે જોડી દેવામાં આવ્યો છે.
જો તમે હજુ સુધી તમારું આધાર લિંક નથી કર્યું, તો IRCTC ની વેબસાઈટ કે એપ પર 'My Profile' સેક્શનમાં જઈ 'Aadhaar KYC' દ્વારા માત્ર મિનિટોમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. કોઈ પણ સમસ્યાના કિસ્સામાં રેલવે હેલ્પલાઈન ૧૩૯ અથવા આધાર હેલ્પલાઈન ૧૯૪૭ પર સંપર્ક કરી શકાય છે. રેલવેના આ પગલાથી સામાન્ય માણસને પીક સીઝન કે તહેવારોમાં કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધી જશે. આ નવી પારદર્શક સિસ્ટમ હવે દેશભરમાં સાર્વત્રિક રીતે લાગુ થઈ ચૂકી છે, જે ડિજિટલ ઇન્ડિયા અને સુરક્ષિત મુસાફરી તરફનું એક મોટું કદમ છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
