<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વેનેઝુએલામાં ૧ લીટર પેટ્રોલની કિંમત ૧ થી ૩ રૂપિયા છે

વેનેઝુએલાની પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે, તેલના ભંડારના મામલામાં બીજા નંબર પર સાઉદી અરબ છે વેનેઝુએલામાં Parle-G બિસ્‍કિટથી પણ સસ્‍તું છે પેટ્રોલ

નવી દિલ્‍હી, તા.૫: તાજેતરમાં અમેરિકાની સૈન્‍ય કાર્યવાહી હેઠળ વેનેઝુએલાના રાષ્‍ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કરવામાં આવી છે. વેનેઝુએલા એવો દેશ છે, જ્‍યાં સૌથી મોટો તેલ ભંડાર છે. રસપ્રદ વાત છે કે અહીં પેટ્રોલ ખુબ સસ્‍તું મળે છે. આવો જાણીએ વેનેઝુએલામાં ૧ લીટર પેટ્રોલની કિંમત કેટલી છે અને એક કારની ટાંકી ફુલ કરાવવા માટે કેટલી કિંમત ચુકવવી પડી શકે છે?

વેનેઝુએલામાં દુનિયાભરમાં સૌથી સસ્‍તું પેટ્રોલ મળે છે. અહીં ૧ લીટર પેટ્રોલની કિંમત ૦.૦૧ થી ૦.૦૩૫ ડોલર છે. ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો કિંમત ૧થી ૩ રૂપિયા પ્રતિ લીટર છે. જો એક કારની ટાંકી ફુલ કરાવવાની વાત કરીએ તો અહીં ૩૦-૩૫ લીટર ટેન્‍કવાળી એક સામાન્‍ય કારની ફુલ ટેંક માત્ર ૫૦થી ૧૫૦ રૂપિયામાં ફુલ થઈ જશે.

વેનેઝુએલા ડ્‍યુઅલ ફયુઅલ સિસ્‍ટમ ચલાવે છે. નિયમિત પેટ્રોલ સબસિડી સાથે સસ્‍તું પડે છે, અને પ્રીમિયમ પેટ્રોલ, જે સબસિડી વિનાનું છે અને વૈશ્વિક ભાવો સાથે સુસંગત છે, તે રૂ.૪૨ પ્રતિ લિટરના ભાવે ઉપલબ્‍ધ છે. તેથી, જો કોઈ ડ્રાઇવર પ્રીમિયમ પેટ્રોલ પસંદ કરે છે, તો તેણે ૫૦-લિટર ટાંકી ભરવા માટે રૂ.૨૦ થી રૂ.૨૫ ખર્ચ કરવા પડશે. ભારતીય ચલણમાં, આ કિંમત રૂ.૧,૭૦૦ થી રૂ.૨,૧૦૦ ની આસપાસ હશે.

વેનેઝુએલાની પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર છે. અલ ઝજીરાના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૩ સુધી દેશની પાસે ૩૦૩ બિલિયન બેરલ તેલ હતું. તેમ છતાં વેનેઝુએલા તેલના એક્‍સપોર્ટથી ઓછી કમાણી કરી શકે છે. તેલના ભંડારના મામલામાં બીજા નંબર પર સાઉદી અરબ છે, જેની પાસે ૨૬૭.૨ બિલિયન બેરલ (૨૦૨૩) તેલ છે. ત્‍યારબાદ ત્રીજા સ્‍થાને ઈરાન છે, જ્‍યાં ૨૦૮.૬ બિલિયન બેરલ (૨૦૨૩) તેલ છે. જ્‍યારે કેનેડા ૧૬૩.૬ બિલિયન બેરલ તેલ ભંડાર સાથે ચોથા સ્‍થાને છે.

(4:11 PM IST)