તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 5th January 2026
'ભારત ટેક્સી'ની તેજ રફ્તાર: ઓલા-ઉબેરના ગઢમાં સરકારનું ગાબડું, દરરોજ ઉમેરાઈ રહ્યા છે 45,000 નવા યુઝર્સ
કેન્દ્રીય મંત્રી અમિત શાહના 'આત્મનિર્ભર ભારત' વિઝન સાથે લોન્ચ થઈ નવી એપ; ડ્રાઇવરો પાસેથી 'ઝીરો કમિશન'ના વાયદાએ મચાવી ધૂમ

નવી દિલ્હી: તા.૦૫ : ભારતીય કેબ-એગ્રીગેટર માર્કેટમાં અત્યારે એક નવો ખેલાડી ખળભળાટ મચાવી રહ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા સમર્થિત 'ભારત ટેક્સી' (Bharat Taxi) એપ લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં જ લોકપ્રિયતાના શિખરે પહોંચી ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ, આ પ્લેટફોર્મ પર દરરોજ ૪૦,૦૦૦ થી ૪૫,૦૦૦ નવા યુઝર્સ નોંધાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે જનતા હવે ખાનગી કંપનીઓના વિકલ્પ તરીકે સરકારી પહેલને સ્વીકારી રહી છે.
પ્લે સ્ટોર પર છવાઈ 'ભારત ટેક્સી'
ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર 'ભારત ટેક્સી' ટોપ રેન્કિંગમાં સ્થાન મેળવી રહી છે. સહકાર મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ ગ્રાહકો આ એપ સાથે જોડાઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા 'સહકાર સે સમૃદ્ધિ' વિઝન હેઠળ શરૂ કરાયેલી આ સેવા ટૂંક સમયમાં સમગ્ર દેશમાં મોટા પાયે રાષ્ટ્રવ્યાપી લોન્ચિંગ (Nationwide Launch) માટે તૈયાર છે.
શું છે આ એપની ખાસિયતો?
· ડ્રાઇવર સશક્તિકરણ: શરૂઆતમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં, એટલે કે ભાડાની પૂરેપૂરી રકમ ડ્રાઇવરને મળશે.
· સલામતી પ્રથમ: આ પ્લેટફોર્મ પર માત્ર પોલીસ-ચકાસાયેલ (Police-Verified) ડ્રાઇવરો જ હશે. એપમાં પોલીસને સીધો કૉલ કરવા અને સાયરન વગાડવા જેવી ઇમરજન્સી સુવિધાઓ છે.
· ઓલ-ઇન-વન સુવિધા: માત્ર કેબ જ નહીં, પરંતુ મેટ્રો ટિકિટ બુકિંગ અને ૧૨ કલાક સુધીની રેન્ટલ કેબના વિકલ્પો પણ આ એપમાં ઉપલબ્ધ છે.
ડ્રાઇવરો અને મુસાફરો માટે ફાયદાકારક?
ભારત ટેક્સીનું સૌથી મોટું આકર્ષણ તેનું સહકારી-આધારિત મોડેલ છે. ઓલા અને ઉબેર જેવી કંપનીઓ ડ્રાઇવરો પાસેથી તોતીંગ કમિશન લેતી હોય છે, જ્યારે ભારત ટેક્સીમાં ડ્રાઇવરોને વધુ કમાણીની તક મળી રહી છે. જોકે, શરૂઆતના તબક્કે એપમાં કેટલીક તકનીકી ખામીઓ અને ભાડામાં અસમાનતા જેવી ફરિયાદો પણ ઉઠી છે, જેને સુધારવાની કામગીરી ચાલુ હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
આગામી સમયમાં રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર ભારત ટેક્સી માટે સમર્પિત પિક-અપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવશે. શું આ સરકારી એપ ખાનગી કંપનીઓના વર્ચસ્વને ખરેખર તોડી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
