<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

સાગર ખેડૂતોનો દેશી અંદાજ: INSV કૌંડિન્યાના ક્રૂ મેમ્બર્સ હવે 'થેપલા-અથાણા'ના સહારે, મધદરિયે રાશન ખૂટ્યું છતાં જુસ્સો અકબંધ

પાંચમી સદીની ટેકનોલોજીથી બનેલું જહાજ મસ્કત તરફ રવાના; શૂન્ય પવન વચ્ચે પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે મધદરિયેથી શેર કરી રોમાંચક વિગતો

મધદરિયે (અરબી સમુદ્ર): તા.૦૫ : ભારતના ગૌરવશાળી દરિયાઈ વારસાને જીવંત કરવા નીકળેલું ભારતીય નૌકાદળનું વિશેષ જહાજ INSV કૌંડિન્યા અત્યારે મસ્કતના માર્ગ પર એક અનોખી સફર ખેડી રહ્યું છે. પોરબંદરથી રવાના થયેલા આ જહાજમાં સવાર પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે મધદરિયેથી એક રસપ્રદ અપડેટ આપ્યું છે. તેમણે જણાવ્યું કે જહાજમાં તાજો રાશન ખૂટી ગયો હોવાથી હવે આખો ક્રૂ અસલ ગુજરાતી ભાણું એટલે કે 'થેપલા અને કેરીના અથાણા' પર સ્વિચ થયો છે.

થેપલાની શોધ કેમ થઈ? આજે સમજાયું!

સંજીવ સાન્યાલે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, સફરના આઠમા દિવસે જ્યારે તાજો ખોરાક ખતમ થયો, ત્યારે અમે સુકા નાસ્તા તરીકે સાથે રાખેલા ગુજરાતી થેપલા અને અથાણાનો સહારો લીધો. તેમણે રમૂજમાં ઉમેર્યું કે, "આવી લાંબી દરિયાઈ મુસાફરી માટે જ કદાચ થેપલાની શોધ થઈ હશે તે આજે સાબિત થયું." હાલમાં ક્રૂ સભ્યો પ્રચંડ ગરમી અને ઓછા પવન વચ્ચે તડકાથી બચવા જહાજ પર આરામ કરી રહ્યા છે.

પ્રાચીન ટેકનોલોજીનો અદભૂત નમૂનો

INSV કૌંડિન્યા એ માત્ર જહાજ નથી પણ ભારતની પ્રાચીન 'ટાંકાવાળી શિપબિલ્ડિંગ' કળાનું પુનરુત્થાન છે.

· વિશેષતા: આ જહાજમાં કોઈ એન્જિન નથી, ધાતુના ખીલા નથી કે કોઈ આધુનિક મશીનરી નથી.

· ડિઝાઇન: અજંતાની ગુફાઓના ચિત્રોમાં જોવા મળતા 5મી સદીના જહાજના આધારે તેને તૈયાર કરવામાં આવ્યું છે.

· સંચાલન: તે સંપૂર્ણપણે પવનની દિશા, સઢ અને દરિયાઈ પ્રવાહોના આધારે ચાલે છે.

સફરના પડકારો અને 'સી સ્ટેટ 4'

પોરબંદરથી નીકળ્યાના શરૂઆતના 48 કલાક આ ક્રૂ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા. સાન્યાલના જણાવ્યા મુજબ, દરિયામાં ઉંચા મોજા અને પવનને કારણે જહાજ 50 ડિગ્રી સુધી ઝૂકી જતું હતું (રોલિંગ). અત્યારે સમુદ્ર સપાટ અને કાચ જેવો શાંત છે, જેના કારણે જહાજ ધીમી ગતિએ (લગભગ 2 ગાંઠની ઝડપે) આગળ વધી રહ્યું છે. મંગળવાર સાંજ સુધીમાં આ યાત્રાનો અડધો પડાવ પૂરો થવાની આશા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મિશનને બિરદાવતા કહ્યું છે કે, આ સફર ગલ્ફ દેશો સાથેના ભારતના હજારો વર્ષ જૂના વેપારી અને સાંસ્કૃતિક સંબંધોને ફરી તાજા કરશે.

(4:54 PM IST)