<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખમેની ઈરાનમાં ચાલી રહેલા વિદ્રોહને કારણે દેશ છોડી રશિયા ભાગવાની ફિરાકમાં? અંગ્રેજી અખબારના અહેવાલે ખળભળાટ મચાવ્યો

જો સેના બળવો કરે તો ખમેની તેમના પરિવાર અને અંગત ૨૦ લોકો સાથે રશિયા ભાગી શકે છે: સિરીયાના તાનાશાહ બશર અલ-અસદના ડિસેમ્બર ૨૦૨૪માં ભાગી છૂટવાના પ્લાન જેવી જ તૈયારી

તહેરાન: ઈરાનમાં હાલમાં ચાલી રહેલા આંતરિક વિદ્રોહ અને નાગરિક અસંતોષ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ અખબાર 'ધ ટાઇમ્સ'ના એક અહેવાલ મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનીએ પરિસ્થિતિ કાબૂ બહાર જાય તો દેશ છોડીને ભાગી જવાની તૈયારી કરી લીધી છે. 
ગુપ્તચર અહેવાલોને ટાંકીને કરવામાં આવેલા આ દાવા મુજબ, જો ઈરાની સુરક્ષા દળો અને સેના પ્રદર્શનકારીઓને રોકવામાં નિષ્ફળ જાય અથવા બળવો કરે, તો ખમેની તાત્કાલિક તેહરાન છોડી દેશે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, ૮૬ વર્ષીય ખમેનીએ તેમના સૌથી વિશ્વાસુ ૨૦ લોકોની ટીમ સાથે રશિયાના મોસ્કોમાં શરણ લેવાની યોજના બનાવી છે. આ જૂથમાં તેમના પુત્ર મોજતબા અને પરિવારના અન્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ માટે તેમણે વિદેશમાં સંપત્તિ અને રોકડ રકમ એકઠી કરવાનું પણ શરૂ કરી દીધું છે, જેથી સુરક્ષિત રીતે ભાગી શકાય.
આ અહેવાલમાં એક મહત્વની સરખામણી કરવામાં આવી છે. ખમેનીનો આ પ્લાન સિરીયાના તાનાશાહ બશર અલ-અસદના પ્લાન જેવો જ છે. 
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૪માં જ્યારે બળવાખોર દળોએ દમાસ્કસને ઘેરી લીધું હતું, ત્યારે અસદ પણ તેમના પરિવાર સાથે રશિયા ભાગી ગયા હતા. હવે ખમેની પણ આ જ માર્ગે ચાલીને મોસ્કોમાં આશ્રય લે તેવું માનવામાં આવે છે.
ઈરાનમાં હાલ મોંઘવારી, તૂટતું ચલણ અને આર્થિક પ્રતિબંધોને કારણે ૬૦થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. લોકો રસ્તા પર ઉતરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. 
જો 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (આઈઆરજીસી) સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ જશે, તો ખમેની પાસે દેશ છોડવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં તેમ સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે

(7:07 PM IST)