News of Monday, 5th January 2026
સત્તાના સિંહાસન પરથી જેલના સળિયા સુધી: વેનેઝુએલાના નિકોલસ માદુરો અને પત્ની ન્યૂયોર્કની કોર્ટમાં રજૂ, કુખ્યાત બ્રુકલિન જેલમાં મોકલાયા
અમેરિકી ડેલ્ટા ફોર્સના મિલિટરી ઓપરેશનમાં ધરપકડ બાદ માદુરોની અમેરિકી ન્યાયાધીશ સમક્ષ રજૂઆત; ડ્રગ્સ તસ્કરીના ગંભીર આરોપો હેઠળ થશે ટ્રાયલ

ન્યૂયોર્ક: વેનેઝુએલાના રાજકીય ઇતિહાસમાં સોમવારનો દિવસ સૌથી મોટો વળાંક સાબિત થયો છે. અમેરિકી સેનાના સાહસિક ઓપરેશનમાં પકડાયેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સીલિયા ફ્લોરેસને આજે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષો સુધી સત્તા ભોગવનાર આ દંપતી અત્યારે અમેરિકી કાયદાના સકંજામાં છે અને તેમના પર આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરી કરવાના સનસનીખેજ આરોપો મૂકવામાં આવ્યા છે.
શનિવારે અમેરિકી 'ડેલ્ટા ફોર્સ' ના કમાન્ડોએ કરાકસમાં વીજળીક ગતિએ હુમલો કર્યો હતો. આ ઓપરેશનમાં હેલિકોપ્ટર્સ, ફાઈટર જેટ્સ અને નૌસેનાના જહાજોનો સપોર્ટ લેવામાં આવ્યો હતો. માદુરો અને તેમની પત્નીને તેમના નિવાસસ્થાનેથી જ ઉઠાવી લેવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ રવિવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી હતી કે હવે વેનેઝુએલાના વહીવટ પર અમેરિકાનો પ્રભાવ રહેશે.
કોર્ટમાં રજૂઆત બાદ માદુરોને ન્યૂયોર્કની બ્રુકલિન જેલમાં મોકલવામાં આવ્યા છે. આ જેલ તેની અત્યંત કડક પરિસ્થિતિઓ અને ખરાબ વ્યવસ્થા માટે વિશ્વભરમાં કુખ્યાત છે. રસપ્રદ વાત એ છે કે, આ એ જ જેલ છે જ્યાં અગાઉ મ્યુઝિક સ્ટાર આર. કેલી અને સીન 'ડીડી' કોમ્બ્સ જેવા મશહૂર અને વિવાદિત કેદીઓ રહી ચૂક્યા છે. હવે વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ પણ આ હાઈ-પ્રોફાઈલ જેલના કેદી બન્યા છે.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે માદુરોને હટાવ્યા બાદ હવે વેનેઝુએલામાં લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજવા માટેનો માર્ગ મોકળો થયો છે. વોશિંગ્ટનની આ યોજનાથી તેલથી સમૃદ્ધ વેનેઝુએલાના અર્થતંત્ર પર પણ મોટી અસર થવાની શક્યતા છે. નિકોલસ માદુરો સામેના આરોપો સાબિત થશે તો તેમને આખી જિંદગી જેલના સળિયા પાછળ વિતાવવી પડી શકે છે. આ કેસ પર હવે આખી દુનિયાની નજર મંડાયેલી છે
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
