<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

દિલ્હીમાં રક્તરંજિત ખેલ: કળિયુગી પુત્રએ લાડુમાં નશીલી દવા ભેળવી માતા અને ભાઈ-બહેનને બેભાન કર્યા, પછી ત્રણેયનું ગળું દબાવી રહેંસી નાખ્યા

લક્ષ્મી નગરમાં આર્થિક તંગીથી કંટાળી ટ્રક ડ્રાઈવરે પરિવારનો ખાતમો બોલાવ્યો; ત્રિપલ મર્ડર બાદ લોહીલુહાણ હાથે આરોપી પહોંચ્યો પોલીસ સ્ટેશન

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં આજે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. એક ૨૬ વર્ષીય યુવકે પોતાના જ ઘરને સ્મશાનમાં ફેરવી નાખ્યું છે. આર્થિક તંગી અને બેરોજગારીના દબાણ હેઠળ આરોપી યશવીરે તેની સગી જનેતા, નાની બહેન અને માસૂમ ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ભયાનક હત્યાકાંડ બાદ આરોપીએ નાસી જવાને બદલે સીધા પોલીસ સ્ટેશન પહોંચી આત્મસમર્પણ કરી દેતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
લાડુ ખવડાવીને ખેલ ખતમ કર્યો: પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગતો કોઈ હોરર ફિલ્મની વાર્તા જેવી છે. આરોપી યશવીર પહેલા ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો, પરંતુ છેલ્લા ૬ મહિનાથી તે બેરોજગાર હતો. ઘરમાં ખાવાના પણ ફાંફા હોવાથી તેણે આખા પરિવારને ખતમ કરવાનો નિર્ણય લીધો.
 તે બજારમાંથી લાડુ લાવ્યો અને તેમાં નશીલી દવા ભેળવી દીધી.
 માતા કવિતા (૪૬), બહેન મેઘના (૨૪) અને ૧૪ વર્ષના નાના ભાઈ મુકુલને આ લાડુ ખવડાવ્યા.
 ત્રણેય બેભાન થઈ જતાં યશવીરે પાશવી રીતે ત્રણેયનું ગળું દબાવીને જીવ લઈ લીધો.
 આ આખો પરિવાર મૂળ હરિયાણાના સોનીપતનો વતની છે અને દિલ્હીના મંગલ બજાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. યશવીરના પિતા સોનીપતમાં ખેતી કરે છે અને તેની પત્ની પણ ગામડે જ રહે છે. દિલ્હીમાં આર્થિક સંકડામણ એટલી વધી ગઈ હતી કે યશવીરે અગાઉ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે તેણે પોતાના પરિવારને જ પતાવી દીધો.
 આરોપીના આત્મસમર્પણ બાદ પોલીસ તાત્કાલિક લક્ષ્મી નગરના એ સરનામે પહોંચી હતી, જ્યાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. એફએસએલ (FSL) ની ટીમ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ જઘન્ય અપરાધમાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. એક હસતો-રમતો પરિવાર ક્ષણવારમાં વિખેરાઈ જતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દિલ્હીમાં વધતી જતી ગુનાખોરી અને આર્થિક માનસિક તણાવના આ કિસ્સાએ સામાજિક ચિંતામાં વધારો કર્યો છે.

(8:33 PM IST)