<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

આંધ્રપ્રદેશમાં ONGC ના તેલના કૂવામાં ભીષણ ધડાકો: ગેસ લીકેજ બાદ આખું ગામ ધુમાડાના ગોટામાં ફેરવાયું, લોકો જીવ બચાવવા પશુધન સાથે ભાગ્યા

કોનાસીમા જિલ્લામાં રિપેરિંગ દરમિયાન સર્જાયો અકસ્માત; પ્રચંડ વિસ્ફોટ સાથે નીકળેલા ગેસે પકડી આગ, વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર

કોનાસીમા: આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના એક તેલના કૂવામાં સમારકામ દરમિયાન અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ મોટા પ્રમાણમાં ગેસ અને કાચું તેલ હવામાં ઉછળવા લાગ્યું હતું અને જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકો પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળે દોડી રહ્યા છે.
 ઘટનાની વિગત મુજબ, કોનાસીમાના રાજોલ વિસ્તારના ઇરુસુમાંડા ગામમાં આવેલા ONGC ના કૂવામાં છેલ્લા કેટલાક સમયથી ઉત્પાદન બંધ હતું અને વર્કઓવર રિગ દ્વારા તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન અચાનક હવામાં શક્તિશાળી વિસ્ફોટ થયો અને તેલમાં મિશ્રિત ગેસનો જથ્થો ફુવારાની જેમ હવામાં ઉડવા લાગ્યો હતો. લીક થયેલા ગેસે ક્ષણભરમાં જ આગ પકડી લેતા પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.
વીજળી અને સ્ટવ વાપરવા પર પ્રતિબંધ: ઇરુસુમાંડા અને તેની આસપાસના વિસ્તારોમાં ગેસ અને ધુમાડાના ગાઢ વાદળો છવાઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક ધોરણે નજીકના ગામડાઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.
લોકોને વીજળીના ઉપકરણો ચાલુ ન કરવા અને ગેસના સ્ટવ ન પ્રગટાવવાની કડક સૂચના આપવામાં આવી છે.
સ્થળાંતર: સેંકડો પરિવારો પોતાના બાળકો અને પશુધનને લઈને ગામ છોડીને દૂર જતા રહ્યા છે.
 ONGC ના નિષ્ણાતો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને લીકને રોકવા તેમજ આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે.
જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગેસની અસરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે તબીબી ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ONGC ના અધિકારીઓએ જણાવ્યું છે કે જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવશે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ગેસ લીકેજની ઘટનાઓ બની હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

(8:36 PM IST)