<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

દરેક માનવીના શરીરમાં છુપાયેલા છે ‘પારકા’ કોષો: માતા અને બાળકના અતૂટ સંબંધનો વૈજ્ઞાનિક પુરાવો

ગ્રીક દંતકથાઓ જેવી સ્થિતિ: બાળકના જન્મના ૨૭ વર્ષ બાદ પણ માતાના શરીરમાં બાળકના જીવંત કોષો મળી આવ્યાનો ધડાકો: તમારા શરીરમાં તમારા પોતાના કોષો સિવાય બીજા કોઈના કોષો પણ જીવંત છે: *મનુષ્યનું શરીર એક ‘કાઈમેરા’ (મિશ્ર પ્રજાતિ) જેવું છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક વચ્ચે માત્ર લોહીનો જ નહીં, પરંતુ કોષોનો પણ જે વિનિમય થાય છે તે જીવનભર શરીરમાં સચવાયેલો રહે છે


નવી દિલ્હી: શું તમે જાણો છો કે તમે એકલા નથી? તમારા શરીરમાં તમારા પોતાના કોષો સિવાય બીજા કોઈના કોષો પણ જીવંત છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હિડન ગેસ્ટ્સ’ (છુપાયેલા મહેમાનો) માં પત્રકાર લીઝ બાર્નેઉડ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે મનુષ્યનું શરીર એક ‘કાઈમેરા’ (મિશ્ર પ્રજાતિ) જેવું છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક વચ્ચે માત્ર લોહીનો જ નહીં, પરંતુ કોષોનો પણ જે વિનિમય થાય છે તે જીવનભર શરીરમાં સચવાયેલો રહે છે.
|| વિજ્ઞાનની અજાયબી: 'માઈક્રોકાઈમેરિઝમ' ની થીમ ||
 * શું છે કાઈમેરા?: ગ્રીક પુરાણોમાં સિંહનું માથું, બકરીનું શરીર અને સાપની પૂંછડી ધરાવતા પ્રાણીને ‘કાઈમેરા’ કહેવાતું. મનુષ્ય પણ આવો જ એક કાઈમેરા છે કારણ કે તેના શરીરમાં અન્યના કોષો વસવાટ કરે છે.
 * કોના કોષો હોય છે?: માતાના ગર્ભમાં રહેલા બાળકના કોષો માતાના શરીરમાં જાય છે અને માતાના કોષો બાળકમાં પ્રવેશે છે. ઘણીવાર તો બાળકમાં તેની નાની (માતાની માતા), મોટા ભાઈ-બહેન કે જોડિયા ભાઈ-બહેનના કોષો પણ હોઈ શકે છે.
 * પ્રમાણ: આપણા શરીરના ૧૦,૦૦૦ થી ૧૦ લાખ કોષોમાંથી એક કોષ આ રીતે બહારથી આવેલો 'માઈક્રોકાઈમેરિક' કોષ હોય છે.
   ગર્ભનાળ દ્વારા થતી કોષોની ઘૂસણખોરી
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે બાળક માતાપિતા પાસેથી જનીનો વારસામાં મેળવે છે, પરંતુ વિજ્ઞાન હવે કહે છે કે આ પ્રક્રિયા ઉંધી પણ થાય છે. જેને ‘માઈક્રોકાઈમેરિઝમ’ કહેવાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પ્લેસેન્ટા (ગર્ભનાળ) મારફતે બાળકના કોષો માતાના શરીરમાં પ્રવેશે છે. આ કોષો માતાના મગજ, હૃદય અને અન્ય અંગોમાં જઈને વસી જાય છે. ૧૯૯૩માં જિનેટિક્સના નિષ્ણાત ડાયના બિયાન્ચીને જાણવા મળ્યું હતું કે પુત્રને જન્મ આપનારી માતાઓના લોહીમાં ૨૭ વર્ષ બાદ પણ પુરુષમાં જોવા મળતા ‘વાય’ (Y) ક્રોમોઝોમ ધરાવતા કોષો હાજર હતા.
૧૨૫ વર્ષ પહેલા મળ્યા હતા સંકેત
આ શોધ કંઈ નવી નથી. છેક ૧૮૦૦ના અંત ભાગમાં જ્યોર્જ સ્મોરલ નામના પેથોલોજિસ્ટે સગર્ભા મહિલાઓના ફેફસામાં પ્લેસેન્ટા જેવા ‘જાયન્ટ સેલ્સ’ જોયા હતા. જોકે, દાયકાઓ સુધી એવું માનવામાં આવતું હતું કે ગર્ભાવસ્થા પૂરી થાય એટલે આ કોષો શરીરમાંથી દૂર થઈ જાય છે. પરંતુ હવે સાબિત થયું છે કે આ ‘મહેમાનો’ કાયમી વસવાટ કરે છે.
માતાના ઘા રૂઝવવામાં બાળકના કોષો મદદરૂપ
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ બહારના કોષોને શરીર નકારી કાઢતું નથી. ઉલટાનું, આ કોષોમાં અદભૂત રિજનરેટિવ (પુનર્જીવિત કરવાની) શક્તિ હોય છે. સંશોધનોમાં જણાયું છે કે બાળકના કોષો માતાના શરીરમાં થયેલા ઘા રૂઝવવામાં મદદ કરે છે. તે જરૂર પડ્યે લોહીની નળીઓ કે ચામડીના કોષોનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. આમ, બાળક ગર્ભમાં હોય ત્યારે જ નહીં, જન્મ પછી પણ દાયકાઓ સુધી માતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.
મેડિકલ સાયન્સના નિયમોને પડકાર
આ સંશોધને ઈમ્યુનોલોજી (રોગપ્રતિકારક શક્તિ) ના પાયાના સિદ્ધાંતને હચમચાવી દીધો છે. સામાન્ય રીતે આપણું શરીર ‘સ્વ’ (પોતાના) અને ‘પર’ (પારકા) કોષો વચ્ચે ભેદરેખા દોરે છે અને બહારના કોષો પર હુમલો કરે છે. પરંતુ માઈક્રોકાઈમેરિક કોષો આ નિયમનો અપવાદ છે. મધ્યમ વયની મહિલાઓમાં જોવા મળતા ઓટોઈમ્યુન રોગો પાછળ પણ આ કોષોની ભૂમિકા હોઈ શકે છે, તે દિશામાં પણ લી નેલ્સન જેવા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. (હિડન ગેસ્ટ્સ’ પુસ્તક અને માઈક્રોકાઈમેરિઝમના વિષય પર આપેલી માહિતીના આધારે..)

(1:26 AM IST)