News of Tuesday, 6th January 2026
ઈરાનમાં ભયંકર વિદ્રોહ: મોંઘવારીથી ત્રસ્ત જનતાનો આક્રોશ ચરમસીમાએ, સેંકડો સ્થળોએ હિંસક અથડામણો: સ્થિતિ સ્ફોટક અને ગૃહયુદ્ધ તરફ જઈ રહી હોવાનો ભય
ઈરાન હવે સળગતા જ્વાળામુખી પર: ૨૬ પ્રાંતોના ૭૮ શહેરોમાં વિરોધની આગ પ્રસરી, સુરક્ષા દળો દ્વારા સીધો ગોળીબાર: મૃત્યુઆંક ૩૦ને પાર, સેંકડો ઘાયલ, હજારોની ધરપકડ

તેહરાન: ઈરાનમાં કથળતી જતી અર્થવ્યવસ્થા અને આસમાને પહોંચેલી મોંઘવારીને કારણે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જાન્યુઆરી ૨૦૨૬માં પ્રવેશેલા આ આંદોલને તારીખ ૫ ની રાત્રી સુધીમાં માં દિવસે સમગ્ર દેશને બાનમાં લીધું છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને "આયતુલ્લા ખમેનેઈ મરે" જેવા ગંભીર નારાઓ લગાવી રહ્યા છે, જે ઈરાની શાસન સામેના પ્રચંડ જનઆક્રોશનો પુરાવો છે.
*ઈરાન સળગ્યું: સમગ્ર ઘટનાક્રમ ઉડતી નજરે*
* મૂળ કારણ: અર્થવ્યવસ્થાની બરબાદી, કમરતોડ મોંઘવારી અને સરકારી નીતિઓની નિષ્ફળતા * વિસ્તાર: દેખાવો હવે ઈરાનના ૨૬ પ્રાંતોમાં અને ૭૮થી વધુ શહેરોમાં ફેલાઈ ગયા છે * હિંસાનું પ્રમાણ: કુલ ૨૨૨ જેટલા સ્થળોએ વિરોધ નોંધાયો છે, જેમાં પોલીસ સ્ટેશનો પર હુમલા અને ગોળીબારની ઘટનાઓ બની છે * સૌથી વધુ અસરગ્રસ્ત: તેહરાન, મશહદ, શીરાજ, કરમાંશાહ અને ઈલામ જેવા મુખ્ય શહેરો * મૃત્યુઆંક: અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૩૧ સુધી પહોંચ્યો હોવાના અહેવાલ છે.
*પશ્ચિમી ઈરાનમાં સ્થિતિ સ્ફોટક: લાઈવ એમ્યુનિશનનો ઉપયોગ*
અહેવાલો અનુસાર, પશ્ચિમી ઈરાનના વિસ્તારોમાં હિંસા સૌથી વધુ તીવ્ર બની છે. સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસ અને મોટરસાયકલ યુનિટ્સની સાથે સાથે હવે 'લાઈવ એમ્યુનિશન' (જીવતા કારતૂસ) અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે મૃત્યુ અને ઘાયલોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને લોરેસ્તાન પ્રાંતના કુહદશ્ત અને ઈસ્ફહાન પ્રાંતના ફુલાદશહેરમાં સુરક્ષા દળો અને બસીજ મિલિશિયા વચ્ચે લોહિયાળ અથડામણો થઈ છે.
૧ જાન્યુઆરી 'બ્લેક ડે' સાબિત થયો
આંદોલન દરમિયાન ૧ જાન્યુઆરી, ૨૦૨૬નો દિવસ સૌથી વધુ ઘાતક સાબિત થયો હતો. માત્ર એક જ દિવસમાં ૮થી વધુ પ્રદર્શનકારીઓના મોત નિપજ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલા આ વિરોધને ડામવા માટે સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં એક ૧૫ વર્ષીય કિશોરનું પણ મોત થયું હતું, જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૨ મોત નોંધાયા હતા, જ્યારે ૩ જાન્યુઆરીએ મલેકશાહી (ઈલામ) માં વધુ ૬ લોકોના મોત થયા હતા.
ઈન્ટરનેટ સેવાઓ ઠપ અને રાજકીય આક્ષેપબાજી
હિંસા રોકવા માટે સરકારે ઈલામ સહિતના અનેક પ્રાંતોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. મલેકશાહીમાં સુરક્ષા દળોના ક્રેકડાઉનમાં ૫ લોકોના મોત અને ૩૦ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રત્યાઘાતો પડ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર પરિણામોની ચીમકી આપી છે, જોકે ઈરાની અધિકારીઓ આ સમગ્ર ઘટનાક્રમ માટે વિદેશી હસ્તક્ષેપને જવાબદાર ઠેરવી રહ્યા છે.
માનવ અધિકાર સંસ્થાઓની ચિંતા
માનવ અધિકાર સંસ્થા 'હરાના' ના જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શનો હવે સિસ્તાન અને બલુચિસ્તાન જેવા નવા પ્રાંતોમાં પણ ફેલાયા છે. હજારોની સંખ્યામાં ધરપકડો કરવામાં આવી છે અને સ્થિતિ ગૃહયુદ્ધ તરફ જઈ રહી હોવાનો ભય સેવાઈ રહ્યો છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
