<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ઇરાન ભડકે બળે છેઃ ૩૫નાં મોતઃ ૧૨૦૦ની અટકાયત

છેલ્લા ૧ સપ્તાહથી હિંસક દેખાવો ચાલુઃ ૨૭ રાજયોમાં તોફાનો ફેલાયા : સ્‍થિતિ વણસી રહી છેઃ ૨૫૦ થી વધુ સ્‍થળો પર દેખાવોઃ લોકો રસ્‍તા પર

તહેરાન તા.૬: ઈરાનમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ભડકેલી હિસા ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. હિસક વિરોધ પ્રદર્શનોમાં અત્‍યાર સુધીમાં ૩૫ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે, ઈરાની સરકારે ૧,૨૦૦ થી વધુ લોકોની અટકાયત કરી છે.યુએસ સ્‍થિત માનવ અધિકાર સમાચાર એજન્‍સી અનુસાર, ઈરાની હિસામાં ચાર બાળકો અને બે સુરક્ષા કર્મચારીઓ સહિત ૨૯ પ્રદર્શનકારીઓના મોત થયા છે. ઈરાનના ૩૧ પ્રાંતોમાંથી ૨૭ પ્રાંત હિસાથી પ્રભાવિત છે. સમગ્ર ઈરાનમાં ૨૫૦ થી વધુ સ્‍થળોએ હિસક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે.

ઈરાનમાં વધતી મોંઘવારી, રોજગારની અછત અને નબળી પડી રહેલી અર્થવ્‍યવસ્‍થાના કારણે સામાન્‍ય જનજીવન ભારે દબાણમાં આવી ગયું છે. આ પરિસ્‍થિતિથી નારાજ લોકો હવે ખુલ્‍લેઆમ ઈસ્‍લામિક શાસન સામે અવાજ ઉઠાવી રહ્યા છે. છેલ્‍લા કેટલાક દિવસોથી દેશના અનેક મોટા શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સતત ચાલી રહ્યા છે. તેહરાન, ઇસ્‍ફહાન, મશહાદ, શિરાઝ અને કોમ જેવા શહેરોમાં હજારો લોકો રસ્‍તાઓ પર ઉતરી આવ્‍યા છે. પ્રદર્શનકારીઓ શાસનથી મુક્‍તિની માંગ કરી રહ્યા છે અને સર્વોચ્‍ચ નેતા આયાતુલ્‍લાહ અલી ખામેની વિરુદ્ધ ઉગ્ર નારા લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે હાલની સરકાર દેશને આર્થિક અને સામાજિક રીતે પાછળ ધકેલી રહી છે.

આ તરફ ઈરાન સરકાર આ વિરોધોને લોકઆંદોલન માનવાની જગ્‍યાએ તેને વિદેશી શક્‍તિઓનું ષડયંત્ર ગણાવી રહી છે. શાસક તંત્રએ સુરક્ષા દળોને કડક પગલાં લેવા આદેશ આપ્‍યો છે. પરિણામે અનેક સ્‍થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે અથડામણ જોવા મળી છે

માનવ અધિકાર કાર્યકરોના અહેવાલ મુજબ, આ હિસક કાર્યવાહી દરમિયાન અત્‍યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે અને ૧,૨૦૦ થી વધુ લોકોને ધરપકડમાં લેવામાં આવ્‍યા છે. મૃતકોમાં સામાન્‍ય નાગરિકો ઉપરાંત બાળકો અને સુરક્ષા કર્મચારીઓ પણ સામેલ હોવાનું જણાવવામાં આવે છે.

આ વિરોધ પ્રદર્શનો ઈરાનના લગભગ તમામ વિસ્‍તારોમાં ફેલાઈ ગયા છે. ૩૧ પ્રાંતોમાંથી લગભગ ૨૭ પ્રાંતોમાં અને ૨૫૦ કરતાં વધુ સ્‍થળોએ દેખાવો નોંધાયા છે. કેટલાક અહેવાલો અનુસાર, મોટી સંખ્‍યામાં પોલીસ અને અર્ધલશ્‍કરી બળના સભ્‍યો પણ ઘાયલ થયા છે.

ઈરાનની સ્‍થિતિને લઈને આંતરરાષ્ટ્રીય સ્‍તરે પણ ચિતા વધી રહી છે. અમેરિકા તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હિસા ચાલુ રહેશે, તો તે પગલાં લઈ શકે છે. આ નિવેદન બાદ ઈરાન અને અમેરિકા વચ્‍ચે તણાવ વધુ વધી ગયો છે.

વિશ્‍લેષકોનું માનવું છે કે, ૨૦૨૨માં મહસા અમીનીના મૃત્‍યુ બાદ જે મોટા પ્રદર્શનો થયા હતા, ત્‍યારપછીનું આ સૌથી વ્‍યાપક અને શક્‍તિશાળી આંદોલન છે. છેલ્‍લા કેટલાક વર્ષોમાં ઈરાને અનેક વખત જનઆંદોલનોનો સામનો કર્યો છે, પરંતુ હાલની સ્‍થિતિ વધુ ગંભીર માનવામાં આવી રહી છે. મીડિયા પર કડક નિયંત્રણ અને ઇન્‍ટરનેટ પ્રતિબંધોના કારણે વાસ્‍તવિક પરિસ્‍થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી મુશ્‍કેલ છે. છતાં સોશિયલ મીડિયામાં ફરતા વિડિયો અને અહેવાલો બતાવે છે કે લોકોનો ગુસ્‍સો હજી શાંત થયો નથી.(૩૮.૧૩)

(10:00 AM IST)