<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ગેંગરેપ બાદ ઝાડ સાથે બાંધી, વાળ કાપીને વીડિયો બનાવ્‍યો

બાંગ્‍લાદેશમાં હિંદુ વિધવા સાથે દરિંદગીઃ લઘુમતીઓ પર અત્‍યાચારનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્‍યો છે

 

 

ઢાકા તા.૬: બાંગ્‍લાદેશમાં લઘુમતીઓ પર અત્‍યાચારનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્‍યો છે. કાલીગંજમાં એક વિધવા મહિલા પર બળાત્‍કાર કરવામાં આવ્‍યો અને પછી તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવી. આરોપીઓએ તેને માર માર્યો અને પછી તેના વાળ કાપી નાખ્‍યા હતા.

બાંગ્‍લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી હિન્‍દુ લઘુમતીઓને કટ્ટરપંથીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્‍યાએ સમગ્ર હિન્‍દુ સમુદાય અને માનવતામાં વિશ્વાસ રાખનારાઓને આઘાત પહોંચાડ્‍યો. હવે બાંગ્‍લાદેશના કાલીગંજમાંથી ક્રૂરતાની બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે. બે પુરુષોએ ૪૦ વર્ષીય વિધવા મહિલા પર સામૂહિક બળાત્‍કાર કર્યો, તેને ઝાડ સાથે બાંધી દીધી અને તેના વાળ કાપી નાખ્‍યા. આરોપીઓએ અપમાનનો વીડિયો પણ બનાવ્‍યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યો.

પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્‍યું હતું કે તેણે શાહીન અને તેના ભાઈ પાસેથી બે કઠ્ઠા જમીન અને બે માળનું ઘર ખરીદ્યું હતું. તેણે પૈસા માટે તેમને ૨૦ લાખ રૂપિયા ચૂકવ્‍યા હતા. થોડા દિવસો પછી શાહીન અને તેના ભાઈએ વધુ પૈસા માંગવાનું શરૂ કર્યું. જ્‍યારે મહિલાએ આ ગેરકાયદે ખંડણી સામે અવાજ ઉઠાવ્‍યો ત્‍યારે તેઓએ તેને ધમકી આપવાનું શરૂ કર્યું.

સ્‍થાનિક મીડિયા અહેવાલો અનુસાર શાહીન અને તેનો સાથી હસન શનિવારે સાંજે અચાનક મહિલાના ઘરમાં ઘૂસી ગયા અને તેના પર બળાત્‍કાર કર્યો. ત્‍યારબાદ તેઓએ વિધવા પાસેથી ૫૦ હજાર ટકા એટલે કે ૩૭ હજાર રૂપિયા માંગ્‍યા. તે દિવસે પીડિતાના ઘરે કેટલાક મહેમાનો પણ આવ્‍યા હતા અને આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો.

ફરિયાદ મુજબ જ્‍યારે મહિલાએ ચીસો પાડવાનો પ્રયાસ કર્યો, ત્‍યારે તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવી. આરોપીએ આનો વીડિયો બનાવ્‍યો અને સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કર્યો. આરોપી તેને ત્‍યાં સુધી માર મારતો રહ્યો જ્‍યાં સુધી તે બેભાન ન થઈ ગઈ. બાદમાં સ્‍થાનિક લોકોએ તેને બચાવી અને નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરી.

હોસ્‍પિટલ સત્તાવાળાઓએ જણાવ્‍યું કે શરૂઆતમાં મહિલાએ બળાત્‍કારની વાત જણાવી ન હતી, જોકે તબીબી તપાસમાં યૌન ઉત્‍પીડન થયાનું બહાર આવ્‍યું. ભાનમાં આવ્‍યા પછી પીડિતાએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી.(૩૮.૮)

(10:02 AM IST)