તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Tuesday, 6th January 2026
ડરના માહોલમાં કામ કરનાર જજ ન્યાય તોળી શકે નહીં
ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નીચલી કોર્ટોના જજોની સુરક્ષા પર સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને કડક સંદેશ આપ્યો : ચુકાદો ખોટો હોય કે તેમાં ક્ષતિ હોય તો જજ સામે કાર્યવાહી કે કેસ ના કરવો જોઈએ

નવી દિલ્હી,તા.૦૬: ન્યાયતંત્રની સ્વતંત્રતા અને નીચલી કોર્ટોના જજોની સુરક્ષા પર સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને કડક સંદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ડર અને ધમકીના માહોલમાં એક જજ ન્યાય કરી શકતા નથી. માત્ર ચુકાદો ખોટો હોય અથવા તેમાં ક્ષતિ હોય તો ન્યાયિક અધિકારી સામે વિભાગીય કાર્યવાહી કે ગુનાહિત કેસ કરવો જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલતે મધ્ય પ્રદેશના એક ડિસ્ટ્રિક્ટ જજની બરતરફીને રદ કરતા જણાવ્યું કે, એક નિડર ન્યાયાધીશ જ સ્વતંત્ર ન્યાયતંત્રનો પાયો હોય છે. મધ્ય પ્રદેશ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ નિર્ભય સિહ સુલિયાએ એક્સાઈઝ કાયદાના કેસમાં આરોપીઓના જામીન મંજૂર કરવા માટે અલગ અલગ માપદંડો અપનાવતા તેમને ફરજ પરથી બરતરફ કરાયા હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે બી પારડીવાલા અને કે વી વિષ્વનાથનની ખંડપીઠે જણાવ્યું કે, એક ન્યાયિક અધિકારીનું કામ ચુકાદો આપવાનું હોય છે અને દરેક નિર્ણયમાં એક પક્ષ અસંતુષ્ટ રહે છે. આવા અસંતુષ્ટ જૂથો બદલાની ભાવના સાથે ખોટા આક્ષેપો કરી શકે છે. ભયના માહોલમાં કામ કરતા જજ ન્યાય તોળી શકતા નથી.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, જસ્ટિસ નિર્ભય સિહ સુલિયાએ ૨૭ વર્ષ સુધી સેવા આપી હતી. આ ગાળામાં તેમના પર કોઈ ધબ્બો લાગ્યો નહતો. ફક્ત ચાર જામીનના આધારે તેમને ભ્રષ્ટ ગણાવીને નોકરીમાંથી બરતરફ કરવા અયોગ્ય તથા દુર્ભાગ્યપૂર્ણ છે. ટ્રાયલ કોર્ટ પર કામનું ભારણ હોય છે, રોજ સંખ્યાબંધ કેસો લિસ્ટ થાય છે અને તેમ છતાં મોટાભાગના ન્યાયિક અધિકારીઓ નિષ્ઠાપૂર્વક તેમની કામગીરી બજાવે છે.
સુપ્રીમ કોર્ટે તપાસ રિપોર્ટને દોષપૂર્ણ ઠેરવ્યો હતો. ફરિયાદી કે તેના સ્ટેનોગ્રાફર જેના પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આક્ષેપ હતો તેમાંથી કોઈની પણ પૂછપરછ કરાઈ નહતી. સુપ્રીમ કોર્ટે ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ની બરતરફી, અપીલ અધિકારીનો આદેશ અને હાઈકોર્ટનો હુકમ ત્રણેયને ફગાવતા જજ સુલિયા તેમની નિયમિત સેવાનિવૃત્તિ વય સુધી કાર્યરત રહેશે તેમ સુપ્રીમે જણાવ્યું હતું. તેમના બાકી ભથ્થા અન લાભો છ ટકા વ્યાજ સાથે આઠ સપ્તાહમાં ચૂકવવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે કર્યો હતો.(૪૦.૮)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
