News of Tuesday, 6th January 2026
ભારતના ૫૦૦૦૦ રૂપિયા ઇન્ડોનેશિયામાં પહોંચતા જ બની જાય છે ૯૦ લાખ!
ઇન્ડોનેશિયાની કરન્સીનું મૂલ્ય ભારતીય રૂપિયા કરતા ખૂબ જ ઓછું છે : જ્યારે કોઈ ભારતીય ત્યાં જાય છે અને પોતાના રૂપિયાને ત્યાંના રૂપિયામાં બદલાવે છે, તો તેને નોટોના થપ્પા મળી જાય છે

નવી દિલ્હી,તા.૦૬: જો તમે વિદેશ યાત્રાનું સપનું જોઈ રહ્યા છો, તો તમને આજે અમે એક એવા દેશ વિશે જણાવીશું, જ્યાં ભારતીય કરન્સી ખૂબ જ શક્તિશાળી છે. હંમેશા ભારતીય લોકો રૂપિયાને અન્ય દેશોની સરખામણીમાં નબળો માને છે. મોટા ભાગે રૂપિયાની ડોલર સાથે તુલના થતી હોવાથી રૂપિયાની કિમત ઓછી લાગે છે. પરંતુ જ્યારે ભારતીય રૂપિયાની ઇન્ડોનેશિયાની કરન્સી સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તેની અસલી કિમત પર તમને વિશ્વાસ નહીં આવે. જી હા, ઇન્ડોનેશિયાની કરન્સીનું મૂલ્ય ભારતીય રૂપિયા કરતા ખૂબ જ ઓછું છે.
વર્તમાન સમયમાં ૧ ભારતીય રૂપિયો આશરે ૧૮૫ ઇન્ડોનેશિયન રૂપિયા બરાબર છે. એટલે કે તમારી પાસે ભારતના ૫૦ હજાર રૂપિયા છે, તો ઇન્ડોનેશિયામાં પહોંચતા જ આ રકમ લાખોમાં ફેરવાઈ જશે. ૫૦ હજાર ભારતીય રૂપિયાનું મૂલ્ય ૯૨ લાખ ૭૦ હજાર ઇન્ડોનેશિયન રૂપિયાની આસપાસ થઈ જાય છે.
હકીકતમાં આ અંતર કોઈ દેશની અર્થવ્યવસ્થા, મોંઘવારી, આવકનું સ્તર અને મુદ્રાની કિમત સાથે જોડાયેલું હોય છે. ઇન્ડોનેશિયન કરન્સીનું મૂલ્ય ઓછું હોવાથી ત્યાં નોટો પર રકમ ખૂબ જ મોટી દેખાય છે. જેમ ભારતમાં એક સમયે હજાર અને પાંચસોની નોટો સામાન્ય હતી. પરંતુ કેટલાક દેશોમાં લાખો રૂપિયાની નોટો પણ ચાલે છે. એનો અર્થ એવો નથી કે, ત્યાં લોકો ખૂબ જ ધનવાન છે, પરંતુ અહીં કરન્સીની કિમતમાં ઘણો ફરક છે.
ઇન્ડોનેશિયન કરન્સીનું નામ ઇન્ડોનેશિયન રૂપિયો છે. ત્યાંની નોટો પર ૧૦ હજાર, ૫૦ હજાર, ૧ લાખ જેવી મોટી રકમ લખેલી હોય છે. એવામાં જ્યારે કોઈ ભારતીય ત્યાં જાય છે અને પોતાના રૂપિયાને ત્યાંના રૂપિયામાં બદલાવે છે, તો તેને નોટોના થપ્પા મળી જાય છે. પહેલી નજરે એવું લાગે કે તે અચાનક ખૂબ જ અમીર બની ગયો છે.
હવે સવાલ એ છે કે, જો ભારતના ૫૦ હજાર રૂપિયા ઇન્ડોનેશિયામાં આશરે ૯૦ લાખથી વધુ થઈ જાય છે, ત્યાં મળતી સુવિધાઓ કેટલી સસ્તી હશે. ઇન્ડોનેશિયામાં ખાવા-પીવાની વસ્તુઓ, લોકલ ટ્રાન્સપોર્ટ અને હોટલની કિમતો ભારત કરતા ઘણા અંશે સસ્તી છે. એવામાં ભારતીય પ્રવાસીઓ ત્યાં સારી હોટલમાં રોકાઈ શકે છે. સ્થાનિક ફૂડનો આનંદ લઈ શકે છે અને હરવા ફરવાની મજા માણી શકે છે.(૪૦.૪)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
