News of Tuesday, 6th January 2026
દારુડીયાની સડેલી લાશવાળું પાણી ઈન્દોરવાસીઓએ કેટલાય દિવસ સુધી પીધું
૩૦ વર્ષ પહેલા પણ આવું જ થઈ ચૂક્યું છે, જ્યારે લોકો પાઇપલાઇનનું પાણી પીવાથી ડરી રહ્યા હતા : વાત વર્ષ ૧૯૯૫ની છે, જ્યારે રાજવાડા પાસે સુભાષ ચોકની પાણીની ટાંકીમાં એક સડેલી લાશ મળી હતી

ઈન્દોર,તા.૦૬: આજે ઈન્દોર શહેરના લોકો નર્મદા પાઇપલાઇનનું પાણી પીવાથી ડરી રહ્યા છે. ભાગીરથપુરાની ઘટનામાં પ્રશાસનિક બેદરકારી અને ઢીલા વલણની સૌને ખબર પડી ગઈ છે. પણ આ કંઈ પહેલી વાર નથી, જ્યારે ઈન્દોર આ પ્રકારની તકલીફો વેઠતું દેખાયું હોય. ૩૦ વર્ષ પહેલા પણ આવું જ થઈ ચૂક્યું છે, જ્યારે લોકો પાઇપલાઇનનું પાણી પીવાથી ડરી રહ્યા હતા. આ ઘટનાની યાદ કરી આજે પણ આ વિસ્તારના લોકોના રુંવાડા ઊભા થઈ જાય છે. વર્ષ ૧૯૯૫ની છે, જ્યારે રાજવાડા પાસે સુભાષ ચોકની પાણીની ટાંકીમાં એક સડેલી લાશ મળી હતી.
ટાંકી પાસે દુકાન ચલાવતા નરેશ નેહલાની આજે પણ આ ઘટનાને યાદ કરી ધ્રુજી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, એક દારૂડિયો ઉપર જઈને ટાંકી પર બેઠો. ટાંકીમાં પડી જવાથી તેનું મોત થઈ ગયું. કેમ કે ટાંકી ઉપરથી ચેક થતી નથી, તો કોઈને પણ ખબર પડી નહીં તે દારૂડિયાનું મોત થઈ ગયું છે, જ્યારે પાણીમાં દુર્ગંધ આવવા લાગી અને લોકોની ફરિયાદ પર તપાસ કરી તો ટાંકીની અંદરથી લાશ મળી આવી. લાશ એકદમ સડી ચૂકી હતી, જ્યારે હકીકતની જાણ થઈ તો લોકો એ વિચારીને ધ્રુજવા લાગ્યા કે આટલા દિવસ સુધી તેઓ આ પાણી પીતા રહ્યા, એ પાણીમાં ભયંકર દુર્ગંધ આવતી હતી અને તેનાથી કેટલાય લોકો બીમાર પણ પડ્યા હતા.
હકીકતમાં જોઈએ તો, એ જમાનામાં સુભાષ ચોક અને આજુબાજુના રહેણાંક વિસ્તાર જેમ કે ઈમલી બજાર, રાજબાડા, ખજૂરી બજારમાં પેટ દુખાવો, ઉલટી અને ડાયરિયા જેવા કેસો સતત વધી રહ્યા હતા. પહેલા લોકો આ તેને સિઝનલ ફેરફાર સમજતા રહ્યા. પણ ચોંકાવનારી વાત એ હતી કે આ બીમારી ખાલી એક વિસ્તાર સુધી જ મર્યાદિત હતી. સ્થાનિક રહેવાસીઓએ નગર નિગમને ફરિયાદ લખી કે નળમાંથી આવતા પાણીમાં ભયંકર વાસ આવે છે. પાણીનો રંગ પણ થોડો બદલાયેલો છે.
શરૂઆતમાં પ્રશાસને તેને પાઇપલાઇન લીકેજ માનીને ટાળી દીધા બાદમાં જ્યારે ફરિયાદો વધી તો નગર નિગમના કર્મચારીઓ તપાસ માટે સુભાષ ચોકની ટાંકી પર ચડ્યા. જેવું ટાંકીની ઢાંકણું હટાવીને જોયું તો કર્મચારીઓના પગતળેથી જમીન સરકી ગઈ. પાણીની સપાટી પર એક માણસની લાશ તરી રહી હતી, જે કેટલાય દિવસ જૂની હોવાના કારણે સડી ચૂકી હતી.
આ વાતથી સૌ કોઈ ચોંકી ગયા. લોકોને વિશ્વાસ નહોતો આવતો કે જે પાણીને તેઓ પી રહ્યા છે અથવા તેનાથી ખાવાનું પણ બનાવી રહ્યા છે, તેમાં જે દુર્ગંધ આવી રહી છે, તેની પાછળનું કારણ એક માણસની લાશ હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ભારે હોબાળો મચાવ્યો. તે સમયે ઈન્દોર નગર નિગમમાં કોંગ્રેસનું શાસન હતું અને મધુકર વર્મા મેયર હતા. આ ઘટના બાદ ઈન્દોરમાં ભારે હોબાળો થયો. લોકોએ નગર નિગમનો ઘેરાવ કર્યો.
કેટલાય દિવસ સુધી આ વિસ્તારના લોકોએ નળનું પાણી વાપરવાનું બંધ કરી દીધું. લોકો અંતરિયાળ વિસ્તારના કૂવા અને ટેન્કર પર નિર્ભર થઈ ગયા હતા. તે સમયે ડોક્ટરના જણાવ્યા અનુસાર, અસંખ્ય લોકો ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ અને અન્ય ગંભીર સંક્રમણનો શિકાર થયા હતા. મનોવૈજ્ઞાનિક રીતે પણ લોકો એટલા ડરી ગયા હતા કે ટાંકી સાફ થયાના મહિનાઓ સુધી લોકોને પાણીમાંથી દુર્ગંધ આવવાનો અનુભવ થયો હતો અને તેઓ ત્યાંનું પાણી પીતા નહોતા.(૪૦.૩)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
