News of Tuesday, 6th January 2026
સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ
તબિયત સ્થિરઃ ડોક્ટરોની દેખરેખ હેઠળ

નવી દિલ્હી, તા.૬: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને જૂની ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફના કારણે દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ, હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ (છાતીના રોગના નિષ્ણાત) ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રેગ્યુલર ચેકઅપનો એક ભાગ છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે તેમને ખાંસીની સમસ્યા વધી હતી, જેના નિવારણ માટે તેઓ તપાસ કરાવી રહ્યા છે.
સોનિયા ગાંધી લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ થતાં તેમને અવારનવાર ચેકઅપ માટે હોસ્પિટલ આવવું પડે છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ડિસેમ્બર ૨૦૨૫ માં જ પોતાનો ૭૯મો જન્મદિવસ ઉજવ્યો હતો.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
