News of Tuesday, 6th January 2026
દિલ્હી પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ: 'હવામાં ગોળીબાર બંધ કરો, પહેલા ચોક્કસ કારણો શોધો અને પછી ઉકેલ લાવો'
CJI સૂર્યકાંતની બેન્ચે CAQM ને ખખડાવ્યું: પ્રદૂષણના મુખ્ય કારણોને જાહેરમાં મૂકો, માત્ર ખેડૂતોને દોષ દેવાથી કામ નહીં ચાલે

નવી દિલ્હી, તા. 06 : દેશની રાજધાની દિલ્હીમાં ઝેરી બની રહેલી હવા અને ધુમ્મસના ગાઢ પડ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે ખૂબ જ મહત્વની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રદૂષણને નાથવા માટેના કોઈ પણ ઉપાયો ત્યારે જ કામ કરશે જ્યારે આપણને તેના મૂળ કારણોની ખબર હોય. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 'કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ' (CAQM) ને આદેશ આપ્યો છે કે પ્રદૂષણમાં સૌથી વધુ ફાળો આપનારા પરિબળોને ઓળખો અને તેને જનતા સમક્ષ જાહેર કરો.
'નિષ્ણાત સંસ્થાઓ ઉતાવળ કેમ નથી કરતી?'
કોર્ટે CAQM ના ઢીલા વલણ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સંસ્થા પાસે આ કટોકટીનો ઉકેલ લાવવા માટે કોઈ 'ઉતાવળ' હોય તેવું લાગતું નથી. અદાલતે નિર્દેશ આપ્યો કે આગામી બે અઠવાડિયામાં વિષયના નિષ્ણાતોની બેઠક બોલાવવામાં આવે અને પ્રદૂષણ વધવાના કારણો પર સર્વસંમતિ સાધવામાં આવે. CJI એ ટિપ્પણી કરી કે, "લોકોને ખબર હોવી જોઈએ કે કયા પરિબળો હવા બગાડી રહ્યા છે, જેથી કરીને જાહેર સૂચનો પણ મંગાવી શકાય."
માત્ર ખેડૂતો જ જવાબદાર નથી
સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, ઘણીવાર પ્રદૂષણ માટે માત્ર ખેડૂતો અને પરાળી બાળવાની ઘટનાઓને જ જવાબદાર ઠેરવવામાં આવે છે, જે યોગ્ય નથી. કોર્ટે લોકડાઉન સમયનો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું કે, તે સમયે પરાળી બાળવાનું પ્રમાણ વધુ હોવા છતાં દિલ્હીમાં આકાશ વાદળી અને હવા શુદ્ધ હતી. આનો અર્થ એ છે કે વાહનોનું ઉત્સર્જન અને બાંધકામ પ્રવૃત્તિઓ જેવા અન્ય કારણો પણ એટલા જ ગંભીર છે, જેનું ડેટા-આધારિત મૂલ્યાંકન થવું જરૂરી છે.
વાહનો અને બાંધકામ: મોટો પડકાર
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે વાહનોનું પ્રદૂષણ લગભગ 40 ટકા ફાળો આપે છે, પરંતુ તેના ઉકેલો સરળ નથી. CJI એ પ્રશ્ન કર્યો કે, "જો બસો બંધ કરી દેવામાં આવે તો સામાન્ય માણસ કેવી રીતે મુસાફરી કરશે?" તેવી જ રીતે, આવાસની જરૂરિયાતને કારણે બાંધકામ બંધ કરી શકાય તેમ નથી, પરંતુ તેનાથી થતા પ્રદૂષણને રોકવા નિષ્ણાતોએ નક્કર મોડેલ રજૂ કરવું પડશે.
દિલ્હીની હવાની હાલત 'ખૂબ જ ખરાબ'
મંગળવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 293 નોંધાયો હતો, જ્યારે ચાંદની ચોક જેવા વિસ્તારોમાં તે 352 (ખૂબ જ ખરાબ) સુધી પહોંચી ગયો હતો. આગામી છ દિવસ સુધી સ્થિતિ આવી જ રહેવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે CAQM પાસે બે અઠવાડિયામાં વિગતવાર સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
