<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

પાકિસ્તાનમાં 'કેદી નંબર 804' નો ખૌફ: ઇમરાન ખાનના સમર્થનમાં ગીત ગાવા બદલ પ્રખ્યાત કવ્વાલ અને લગ્નપ્રસંગમાંથી 7 લોકોની ધરપકડ

માત્ર ગીત ગાવા કે પોસ્ટર બતાવવા બદલ જેલની હવા ખાવાનો વારો; પાકિસ્તાની પોલીસ અને સેનાએ ઇમરાન સમર્થકો વિરુદ્ધ અભિયાન તેજ કર્યું

લાહોર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ભલે જેલના સળિયા પાછળ હોય, પરંતુ તેમના પ્રત્યેની દીવાનગી હજુ પણ પાકિસ્તાની એજન્સીઓ માટે માથાનો દુખાવો બની રહી છે. હાલમાં જ પાકિસ્તાની પંજાબ પોલીસે એક કવ્વાલ અને લગ્નપ્રસંગમાં ગયેલા સાત લોકોની માત્ર એટલા માટે ધરપકડ કરી કારણ કે તેઓએ ઇમરાન ખાનનું નામ લીધું હતું અથવા તેમના પોસ્ટર લહેરાવ્યા હતા.

ગીતના શબ્દો બન્યા મુસીબતનું કારણ

પ્રખ્યાત કવ્વાલ ફરાજ અમજદ ખાન એક સરકારી કાર્યક્રમમાં પોતાની કળા રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ગીતમાં 'કેદી નંબર 804' નો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે ઇમરાન ખાન જેલમાં છે અને તેમનો કેદી નંબર 804 છે. પોલીસના મતે, આ ગીત ગાઈને કવ્વાલે સરકારી કાર્યક્રમનું રાજનીતિકરણ કર્યું છે. જોકે, અદાલતમાં હાજર થયેલા કવ્વાલે દલીલ કરી હતી કે પ્રેક્ષકોની માંગ પર તેમણે આ પંક્તિઓ ગાઈ હતી અને તેમનો કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી. હાલમાં કોર્ટે તેમને 13 જાન્યુઆરી સુધી જામીન આપ્યા છે.

લગ્નની ખુશીઓ જેલની કોટડીમાં ફેરવાઈ

આવી જ બીજી એક ઘટના ગુજરાંવાલા જિલ્લામાં બની છે. અહીં એક લગ્ન સમારોહ દરમિયાન સાત લોકોએ ઉત્સાહમાં આવીને ઇમરાન ખાનના પોસ્ટર લહેરાવ્યા અને તેમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. પોલીસે તુરંત કાર્યવાહી કરીને આ સાતેય લોકોને 'દુશ્મનાવટ ફેલાવવા' અને 'સરકાર વિરુદ્ધ બળવો ઉશ્કેરવા' ના ગંભીર આરોપ હેઠળ 14 દિવસ માટે જેલમાં મોકલી આપ્યા છે.

સમર્થકો માટે કપરો કાળ

પાકિસ્તાનમાં હાલ સ્થિતિ એવી છે કે ઇમરાન ખાનની પાર્ટી PTI અને સેના વચ્ચે સીધો સંઘર્ષ ચાલી રહ્યો છે. જેલમાં હોવા છતાં ઇમરાન ખાનની લોકપ્રિયતાથી ડરેલી સરકાર હવે સામાન્ય જનતા પર પણ તરાપ મારી રહી છે. સોશિયલ મીડિયા હોય કે સાર્વજનિક કાર્યક્રમો, ઇમરાન ખાનના સમર્થનમાં અવાજ ઉઠાવનારાઓને પાકિસ્તાની એજન્સીઓ સખત સજા આપી રહી છે.

 

(6:21 PM IST)