News of Tuesday, 6th January 2026
શરીરમાં 20 વર્ષ સુધી 'ગોળી' લઈને જીવતી રહી મહિલા! ફોલ્લો થયો અને ઓપરેશન વગર જ બહાર નીકળી આવી મોતની ગોળી
ફરીદાબાદની કવિતાને 12 વર્ષની ઉંમરે શાળામાં પથ્થર વાગ્યો હોવાનું લાગ્યું હતું; બે દાયકા બાદ જાંઘમાંથી નીકળી SLR રાઈફલની બુલેટ, પરિવાર આઘાતમાં

ફરીદાબાદ : હરિયાણાના ફરીદાબાદની ડાબુઆ કોલોનીમાં રહેતી 32 વર્ષીય કવિતા માટે રવિવારની સાંજ કોઈ ચમત્કારથી ઓછી નહોતી. છેલ્લા બે મહિનાથી તેની જાંઘ પર એક ગૂમડું (ફોલ્લો) થયું હતું, જે મટવાનું નામ લેતું નહોતું. જ્યારે કવિતાએ ઘરેલું મલમ લગાવીને તે ગૂમડાને સહેજ દબાવ્યું, ત્યારે અંદરથી કોઈ તીક્ષ્ણ ધાતુ જેવી વસ્તુ દેખાઈ. તેણે હિંમત કરીને તેને ખેંચી તો આખું પરિવાર સ્તબ્ધ થઈ ગયું – તે એક અસલી બંદૂકની ગોળી હતી!
20 વર્ષ જૂનું તે રહસ્ય
કવિતાએ યાદ કરતા જણાવ્યું કે, જ્યારે તે 12 વર્ષની હતી અને માનેસરના તેના ગામની શાળામાં મેદાનમાં બેસીને પરીક્ષા આપી રહી હતી, ત્યારે તેને અચાનક કમરના નીચેના ભાગમાં જોરદાર કંઈક વાગ્યું હતું. થોડું લોહી નીકળ્યું એટલે શિક્ષકો અને પરિવારે માન્યું કે રમત-રમતમાં કોઈએ તીક્ષ્ણ પથ્થર માર્યો હશે. ઘરે હળદર-તેલનો લેપ લગાવી દેવાયો અને ઘા રૂઝાઈ ગયો. એ સમયે કોઈને સપનેય ખ્યાલ નહોતો કે તે પથ્થર નહીં પણ જીવતી ગોળી હતી.
લગ્ન થયા, ચાર બાળકો જન્મ્યા પણ ખબર ન પડી
આશ્ચર્યની વાત એ છે કે આ 20 વર્ષ દરમિયાન કવિતાના લગ્ન થયા, તેણે ચાર બાળકોને જન્મ આપ્યો, પરંતુ આ ગોળીએ તેને ક્યારેય કોઈ તકલીફ આપી નહીં. તેની જાંઘમાં ફસાયેલી આ ગોળી SLR રાઈફલની હોવાનું બહાર આવ્યું છે. શાળાની નજીક આર્મી ટ્રેનિંગ કેમ્પ હોવાથી ત્યાંથી છૂટેલી એક ગોળી કદાચ તેની ગતિ ગુમાવીને કવિતાને વાગી હોઈ શકે.
શું કહે છે ડોક્ટરો?
ન્યુરોસર્જન ડૉ. ઉપેન્દ્ર ભારદ્વાજના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ ધાતુની વસ્તુ શરીરમાં પ્રવેશે છે, ત્યારે શરીરના કોષો તેની આસપાસ એક દિવાલ બનાવી લે છે જેથી તે બીજા અંગોને નુકસાન ન કરે. કવિતાના કિસ્સામાં ગોળીની ગતિ ઓછી હોવાથી તે હાડકા કે સ્નાયુમાં અટકી ગઈ હશે. 20 વર્ષ પછી જ્યારે તે કોષોની દિવાલ તૂટી અને ચેપ લાગ્યો, ત્યારે ગૂમડા વાટે ગોળી કુદરતી રીતે બહાર નીકળી આવી.
કવિતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાની જાંઘમાંથી નીકળેલી એ 'યાદગાર' ગોળીને સાચવીને રાખવા માંગે છે. લોકો આ અજીબોગરીબ કિસ્સાને જોવા માટે તેના ઘરે ઉમટી પડ્યા છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
