News of Tuesday, 6th January 2026
ભારત વિરુદ્ધ આતંકી સંગઠન લશ્કરનું ઝેરીલું નિવેદન: આતંકી સૈફુલ્લાહે પીએમ મોદીને આપી ખુલ્લેઆમ ધમકી, 'ગઝવા-એ-હિંદ' માટે નાપાક હાકલ!
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પાકિસ્તાની સેના અને આતંકીઓના મેળાપીપણાનો પર્દાફાશ; ભારતીય નેતાઓ વિરુદ્ધ વાપરી અભદ્ર ભાષા

નવી દિલ્હી :પાકિસ્તાન પોતાની નાપાક હરકતો અને આતંકવાદના પોષણથી સુધરવાનું નામ લઈ રહ્યું નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના બહાવલપુરના વડા સૈફુલ્લાહ સૈફે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ આતંકીએ માત્ર ભારતને ધમકી જ નથી આપી, પરંતુ વડાપ્રધાન મોદીને પણ સીધું નિશાન બનાવવાની વાત કહી છે.
વાયરલ વીડિયોમાં આતંકી સૈફુલ્લાહ સૈફે 'ગઝવા-એ-હિંદ' (ભારત પર આક્રમણ અને ધર્મ પરિવર્તનની લડાઈ) ની બૂમ પાડી છે. તેણે દાવો કર્યો છે કે પાકિસ્તાની સેના ભારત વિરુદ્ધ યુદ્ધ માટે તૈયાર છે. આ આતંકવાદીએ ભારતીય નેતાઓ અને લોકશાહીને 'નાસ્તિક' ગણાવીને બધી જ હદો વટાવી દીધી છે. આ પ્રકારના નિવેદનો પાકિસ્તાનમાં આતંકીઓને મળતા છૂટા દોર અને ત્યાંની સુરક્ષા એજન્સીઓના આશીર્વાદનો પુરાવો આપે છે.
'ઓસીન ટીવી' નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરાયેલા આ વીડિયોમાં આતંકી લશ્કરના આકાઓ ખુલ્લેઆમ જનતાને ઉશ્કેરતા જોવા મળે છે. સૈફુલ્લાહે પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર અને ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન જ્યારે આંતરિક રીતે ભાંગી પડ્યું છે, ત્યારે ત્યાંની જનતાનું ધ્યાન ભટકાવવા માટે આતંકીઓ ફરીથી ભારત વિરોધી રેટરિકનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ વીડિયો અને તેના સોર્સ પર બાજ નજર રાખી રહી છે. સરહદ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આવી કોઈ પણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સજ્જ છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
