News of Tuesday, 6th January 2026
૧૭ કલાકારોએ ઠુકરાવી અને ૨૧ પ્રોડ્યુસર્સે ના પાડી, છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ હચમચાવી દીધી; જાણો 'રત્સાસન'ની સંઘર્ષથી સફળતા સુધીની સફર
ખૂબ જ 'ડાર્ક અને રિસ્કી' કહીને મોટા ગજાના સ્ટાર્સે જે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો, તે આજે ક્રાઈમ-થ્રિલર જોનારાઓ માટે બની ગઈ છે 'કલ્ટ ક્લાસિક'

નવી દિલ્હી: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર હિટ ફિલ્મોના રિજેક્શનના કિસ્સા સાંભળવા મળે છે, પરંતુ કોઈ ફિલ્મને ૧૭-૧૭ હીરો કામ કરવાની ના પાડી દે તે માન્યામાં ન આવે તેવી વાત છે. આપણે વાત કરી રહ્યા છીએ ૨૦૧૮માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'રત્સાસન' (Ratsasan) ની. આ મનોવૈજ્ઞાનિક ક્રાઈમ થ્રિલરને બનાવવામાં દિગ્દર્શક રામ કુમારને જે મુશ્કેલીઓ પડી હતી, તે કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી.
આ ફિલ્મની વાર્તા એક સિરિયલ કિલર પર આધારિત હતી જે નાની બાળકીઓ અને મહિલાઓને નિશાન બનાવતો હતો. ફિલ્મની થીમ અત્યંત ડાર્ક અને ડરામણી હતી. ૧૭ જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી કારણ કે તેમને લાગતું હતું કે આવી ગંભીર વાર્તા દર્શકોને પસંદ નહીં આવે. એટલું જ નહીં, ૨૧ નિર્માતાઓએ પણ આ ફિલ્મમાં પૈસા રોકવાનો ઇનકાર કર્યો હતો. આખરે અભિનેતા વિષ્ણુ વિશાલે આ વાર્તા પર ભરોસો મૂક્યો અને મુખ્ય ભૂમિકા ભજવી.
જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, ત્યારે તેણે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. ૨ કલાક અને ૫૦ મિનિટની આ ફિલ્મમાં વાર્તા એટલી બારીકાઈથી વણાયેલી હતી કે દર્શકો એક પળ માટે પણ પોતાની સીટ છોડી શકતા નહોતા. ખાસ કરીને ફિલ્મના વિલન 'ક્રિસ્ટોફર' અને તેના વિચિત્ર વર્તને લોકોના મનમાં ડર પેદા કરી દીધો હતો. અમલા પોલ અને વિષ્ણુ વિશાલના અભિનયની સાથે ઘિબ્રાનના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે ફિલ્મને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી હતી.
જોકે, માનસિક બીમારીના ચિત્રણ બાબતે આ ફિલ્મની થોડી ટીકાઓ પણ થઈ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર તેની સફળતાએ તમામ ટીકાકારોના મોઢા બંધ કરી દીધા. આજે પણ જ્યારે બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર ફિલ્મોની યાદી બને છે, ત્યારે 'રત્સાસન' ટોચના સ્થાને હોય છે. આ ફિલ્મે સાબિત કરી દીધું કે જો કન્ટેન્ટ મજબૂત હોય, તો મોટા સ્ટાર પાવર વગર પણ ફિલ્મ ઈતિહાસ રચી શકે છે
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
