<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

લાલુની લાડલીનો 'બંદૂક' સાથે લેટેસ્ટ ફોટો વાયરલ: રોહિણી આચાર્યએ સચોટ નિશાન સાધીને કોને આપી ધમકી? RJD માં મોટા ભડાકાના સંકેત

"દ્રષ્ટિ તીક્ષ્ણ છે અને લક્ષ્ય સાચું છે..." - રોહિણીની રહસ્યમય પોસ્ટે બિહારના રાજકારણમાં ફેલાવી સનસનાટી; શું તેજસ્વી યાદવ સામે ખેલાશે કોઈ નવો દાવ?

પટણા : બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની વિવાદાસ્પદ પોસ્ટને કારણે ચર્ચાના ચકડોળે ચઢી છે. આ વખતે રોહિણીએ હાથમાં રાયફલ પકડીને નિશાન સાધતો એક ફોટો શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, "મારી પાસે સાચા અને ખોટા વચ્ચે ભેદ પાડવાની તીક્ષ્ણ આંખ છે અને મારું લક્ષ્ય પણ સચોટ છે." આ પોસ્ટે બિહારના રાજકીય ગલિયારાઓમાં અનેક અટકળો વહેતી કરી છે.

પરિવાર અને પાર્ટી સાથેના તૂટતા સંબંધો?

નવેમ્બર ૨૦૨૫ માં બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રોહિણી આચાર્ય અને લાલુ પરિવાર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તે સમયે રોહિણીએ એવી જાહેરાત પણ કરી હતી કે તે રાજકારણ છોડી રહી છે અને પરિવાર સાથેના સંબંધો તોડી રહી છે. તેણે આરોપ લગાવ્યો હતો કે પરિવારના કેટલાક સભ્યોએ તેનું અપમાન કર્યું છે અને તેને પાર્ટીથી દૂર રહેવા મજબૂર કરી છે. હવે આ 'બંદૂક' વાળી પોસ્ટે સંકેત આપ્યો છે કે રોહિણી શાંત બેસવાની નથી.

નિશાન કોના પર? તેજસ્વી કે વિરોધીઓ?

સોશિયલ મીડિયા પર યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, "બહેન, આ નિશાન ક્યાં સાધ્યું છે?" ઘણા લોકો આને તેના ભાઈ તેજસ્વી યાદવ સામેના છૂપા બળવા તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે તે ફરીથી રાજકારણમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવા માટે તૈયાર થઈ રહી છે. લાલુ પરિવારમાં અગાઉ તેજ પ્રતાપ યાદવ પણ આ જ રીતે બળવો કરી ચૂક્યા છે, ત્યારે હવે રોહિણીનો આ 'ચોક્કસ નિશાન' વાળો અંદાજ RJD માટે મુસીબત બની શકે છે.

શું RJD માં કોઈ મોટું તોફાન આવશે?

રાજકીય વિશ્લેષકો માને છે કે રોહિણીની આ પોસ્ટ માત્ર ફોટોશૂટ નથી પરંતુ એક ઊંડો રાજકીય સંદેશ છે. બિહારની હાર બાદ પક્ષમાં ચાલી રહેલી યાદવાસ્થળી હવે ખુલ્લેઆમ સામે આવી રહી હોય તેવું લાગે છે. રોહિણીએ હજુ સુધી આ પોસ્ટ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ લાલુ પરિવારની આ આંતરિક લડાઈ આગામી દિવસોમાં બિહારના રાજકારણને કઈ દિશામાં લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે.

(9:00 PM IST)