News of Tuesday, 6th January 2026
અમેરિકાની બેવડી નીતિ પર પુતિન લાલઘૂમ: સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી વગર પશ્ચિમી દેશોએ અનેક દેશોમાં તબાહી મચાવી હોવાનો રશિયન પ્રેસિડેન્ટનો ગંભીર આક્ષેપ
પુતિને સવાલ ઉઠાવ્યો હતો કે, અમેરિકા અને તેના સાથી દેશોએ યુગોસ્લાવિયા, ઈરાક, લિબિયા અને સીરિયા પર હુમલા કર્યા ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ક્યાં હતા: શું તેમને યુનોની મંજૂરી મળી’તી? પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમી દેશો પોતાની મનમાની કરે છે અને તેને જ ‘આંતરરાષ્ટ્રીય કાયદો’ ગણાવે છે

વ્લાદિમીર પુતિને અમેરિકા અને પશ્ચિમી દેશોની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંબોધન કરતા પુતિને સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે અમેરિકા અને તેના સાથી દેશોએ યુગોસ્લાવિયા, ઈરાક, લિબિયા અને સીરિયા પર હુમલા કર્યા ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ક્યાં હતા? શું તેમને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મંજૂરી મળી હતી? પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમી દેશો પોતાની મનમાની કરે છે અને તેને જ ‘આંતરરાષ્ટ્રીય કાયદો’ ગણાવે છે.
વિસ્તૃત વિગતો જોઈએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં એક નિવેદન દ્વારા અમેરિકા અને પશ્ચિમી દેશોના લશ્કરી હસ્તક્ષેપો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયો અને અહેવાલો મુજબ, પુતિને ભૂતકાળમાં થયેલા યુદ્ધોનો ઉલ્લેખ કરીને પશ્ચિમી દેશોની ‘બેવડી નીતિ’ ખુલ્લી પાડી હતી.
યુગોસ્લાવિયા પર બોમ્બમારાનો મુદ્દો
પુતિને પોતાના સંબોધનમાં યુગોસ્લાવિયાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "પશ્ચિમી દેશોએ યુગોસ્લાવિયા પર બોમ્બમારો કર્યો. શું આ માટે કોઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધો કે મંજૂરી હતી? તેમણે જ જવાબ આપ્યો કે "ના". યુગોસ્લાવિયા ક્યાં છે અને અમેરિકા ક્યાં છે? તેમ છતાં તેમણે એક આખા દેશને તબાહ કરી નાખ્યો."
પુતિને સ્વીકાર્યું હતું કે ત્યાં આંતરિક સંઘર્ષ હતો અને સમસ્યાઓ હતી, પરંતુ તેમણે સવાલ કર્યો કે, "કોણે તેમને યુરોપિયન રાજધાની પર બોમ્બમારો કરવાનો અધિકાર આપ્યો હતો? કોઈએ નહીં. તેમણે માત્ર નક્કી કર્યું કે હુમલો કરવો છે અને તેમના સાથી દેશો પણ પાછળ-પાછળ જોડાઈ ગયા."
ઈરાક યુદ્ધ અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા
અમેરિકા દ્વારા ઈરાક પર કરવામાં આવેલા હુમલા અંગે પુતિને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "ઈરાકમાં કયા કારણોસર ઘૂસણખોરી કરવામાં આવી હતી? એવું કારણ આપવામાં આવ્યું હતું કે ઈરાક વિનાશક જૈવિક હથિયારો બનાવી રહ્યું છે. દેશમાં પ્રવેશ્યા, આખા દેશને રગદોળી નાખ્યો અને આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર બનાવી દીધો."
પુતિને કટાક્ષ કરતા કહ્યું કે, "બાદમાં પશ્ચિમી દેશોએ સ્વીકાર્યું કે તેમની ભૂલ હતી. તેમણે કહ્યું કે, ‘અમારા ગુપ્તચર તંત્રે અમને નિરાશ કર્યા.’ બસ આટલું જ? એક દેશનો નાશ કરી નાખ્યો અને માત્ર એટલું કહીને છટકી ગયા કે ગુપ્તચર માહિતી ખોટી હતી. તપાસમાં બહાર આવ્યું કે ઈરાકમાં કોઈ જૈવિક હથિયારો હતા જ નહીં."
સીરિયા અને લિબિયામાં મનમાની કરી
ઈરાક ઉપરાંત પુતિને સીરિયા અને લિબિયાના લશ્કરી અભિયાનોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સીરિયામાં પણ સુરક્ષા પરિષદની મંજૂરી વગર લશ્કરી કાર્યવાહી કરવામાં આવી. પુતિને પશ્ચિમી દેશોના વલણની ટીકા કરતા કહ્યું કે, "તેઓ જે ઈચ્છે છે તે કરે છે અને તેને જ આંતરરાષ્ટ્રીય કાયદો ગણાવે છે."
આ નિવેદન દ્વારા રશિયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પશ્ચિમી દેશો અન્ય દેશોને લોકશાહી અને કાયદાના પાઠ ભણાવે છે, પરંતુ જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે તેઓ તમામ નિયમો નેવે મૂકી દે છે.
બોક્સ
*પુતિનના વેધક સવાલો*
યુગોસ્લાવિયા: સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી વગર એક યુરોપિયન દેશની રાજધાની પર બોમ્બમારો કેમ કર્યો?
ઈરાક: વિનાશક હથિયારો હોવાનું બહાનું કાઢીને દેશ તબાહ કર્યો, પણ કોઈ અણુ
હથિયારો મળ્યા નહીં.
ગુપ્તચર નિષ્ફળતા: લાખો લોકોના જીવન બરબાદ કર્યા પછી મારા ગુપ્તચર નિષ્ફળ ગયા તેવું અને, ‘ભૂલ થઈ ગઈ’ કહીને છટકી શકાય?
આંતરરાષ્ટ્રીય કાયદો: પશ્ચિમી દેશો પોતાની મરજી મુજબ વર્તે છે અને તેને જ કાયદો માને છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
