<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

પાકિસ્તાનનો 'સરન્ડર' પ્લાન: ઓપરેશન સિંદૂર રોકવા અમેરિકામાં 60 થી વધુ ગુપ્ત બેઠકો અને 45 કરોડની લોબિંગ : ટ્રમ્પને નોબેલ અપાવવાની લાલચ આપી

પાકિસ્તાનનો ભારત પ્રત્યેનો ડર અને અમેરિકા સામે ઘૂંટણિયે પડવાની આદત ફરી એકવાર વૈશ્વિક સ્તરે છતી થઈ : યુએસ સરકારી દસ્તાવેજોના તાજેતરના ખુલાસાએ સાબિત કરી દીધું છે કે 'ઓપરેશન સિંદૂર'થી બચવા માટે પાકિસ્તાને કેવી રીતે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા અને ટ્રમ્પ પ્રશાસનને રીઝવવાના આટાપાટા કર્યા

નવી દિલ્હી:  અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) ના દસ્તાવેજોએ પાકિસ્તાનના ડબલ સ્ટાન્ડર્ડનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામ હુમલા બાદ જ્યારે ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ આક્રમક વલણ અપનાવ્યું, ત્યારે પાકિસ્તાની શાસકો ફફડી ઉઠ્યા હતા. આ કાર્યવાહીને રોકવા માટે પાકિસ્તાની રાજદ્વારીઓ અને સંરક્ષણ અધિકારીઓએ અમેરિકામાં એડીચોટીનું જોર લગાવ્યું હતું. અહેવાલો મુજબ, પાકિસ્તાને અમેરિકી અધિકારીઓ, સાંસદો અને વગદાર મીડિયા હાઉસ સાથે 60 થી વધુ બેઠકો યોજી હતી જેથી ભારત પર દબાણ લાવી શકાય અને સંભવિત સૈન્ય કાર્યવાહીને ટાળી શકાય.

આર્થિક કટોકટીમાં ડૂબેલા પાકિસ્તાને ભારત વિરોધી પ્રચાર અને લોબિંગ માટે લગભગ $5 મિલિયન (આશરે 45 કરોડ રૂપિયા) ખર્ચ્યા હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાને વોશિંગ્ટનની પ્રતિષ્ઠિત લોબિંગ ફર્મ 'સીડેન લો એલએલપી' સાથે સોદો કર્યો હતો, જેનો હેતુ ટ્રમ્પ વહીવટીતંત્રમાં પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ ઊભું કરવાનો હતો. આ કરોડોની લાંચ અને લોબિંગનું જ પરિણામ હતું કે થોડા અઠવાડિયામાં જ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કર્યું હતું. પોતાની નબળાઈ છુપાવવા માટે ગરીબ પાકિસ્તાને આટલી મોટી રકમ ખર્ચતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ટીકા થઈ રહી છે.

ટ્રમ્પને પોતાના પક્ષમાં કરવા માટે પાકિસ્તાને ખુશામતની તમામ હદ વટાવી દીધી હતી. પાકિસ્તાની અધિકારીઓએ અમેરિકી રાષ્ટ્રપતિને 'નોબેલ શાંતિ પુરસ્કાર' અપાવવાની અપીલ કરી હતી, જેથી તેઓ મધ્યસ્થી તરીકે આગળ આવે. આ ઉપરાંત, ટ્રમ્પના વ્યવસાયિક હિતોને ધ્યાનમાં રાખીને વેપારમાં અનેક પ્રોત્સાહનો અને દુર્લભ ખનિજોના ખોદકામમાં છૂટછાટો આપવાની પણ ઓફર કરવામાં આવી હતી. આ બેઠકોમાં કાશ્મીર મુદ્દાથી લઈને પ્રાદેશિક સુરક્ષા સુધીના તમામ વિષયો પર પાકિસ્તાને પોતાની બાજુ રજૂ કરી ભારતને ઘેરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

જોકે, આટલા મોટા ખર્ચ અને લોબિંગ છતાં પાકિસ્તાન ભારતની વ્યૂહાત્મક પકડને ઢીલી કરી શક્યું નથી. ઓપરેશન સિંદૂરના દસ્તાવેજો દર્શાવે છે કે પાકિસ્તાન અંદરખાને કેટલું ગભરાયેલું છે કે તેણે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે અમેરિકાના શરણમાં જવું પડ્યું. આ ખુલાસા બાદ ભારતની વિદેશ નીતિ વધુ મજબૂત સાબિત થઈ છે, જ્યારે પાકિસ્તાન ફરી એકવાર વૈશ્વિક મંચ પર 'ભીખ માંગતા દેશ' તરીકે સાબિત થયો છે. ટ્રમ્પ પ્રશાસન સાથેના આ સોદાબાજીના અહેવાલોએ દક્ષિણ એશિયાના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.

(11:08 PM IST)