<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

"આવો અને મને પકડો, હું પહાડોમાં ગેરિલા યુદ્ધ માટે તૈયાર છું": માદુરોની ધરપકડ બાદ કોલંબિયાના રાષ્ટ્રપતિ પેટ્રોએ ટ્રમ્પને સીધો પડકાર ફેંક્યો

ટ્રમ્પના આક્રમક વલણ સામે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ શિંગડા ભેરવ્યા : જેના કારણે દક્ષિણ અમેરિકામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તેવી ભીતિ

બોગોટા: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકી સૈન્ય દ્વારા ધરપકડ થયા બાદ હવે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. ટ્રમ્પે કોલંબિયાને 'બીમાર દેશ' અને પેટ્રોને 'કોકેન વેચનાર બીમાર માણસ' ગણાવ્યા બાદ, પેટ્રોએ વળતો પ્રહાર કરતા ટ્રમ્પને સીધો પડકાર ફેંક્યો છે કે, "આવો અને મને પકડો, હું અહીં જ તમારી રાહ જોઈ રહ્યો છું." પેટ્રોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા કોલંબિયા પર હુમલો કરશે તો હજારો ગ્રામજનો પર્વતોમાં છુપાઈને ગેરિલા સંગ્રામ છેડશે. ૧૯૯૦ના દાયકામાં પોતે પણ એક ગેરિલા લડવૈયા રહી ચૂકેલા પેટ્રોએ ભાવુક થતા કહ્યું કે તેમણે ક્યારેય હથિયાર ન ઉઠાવવાની શપથ લીધી હતી, પરંતુ માતૃભૂમિની રક્ષા માટે તેઓ ફરીથી બંદૂક પકડતા અચકાશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પ અને ગુસ્તાવો પેટ્રો વચ્ચેના સંબંધો લાંબા સમયથી વણસેલા છે, ખાસ કરીને ટ્રમ્પે ઓક્ટોબર મહિનામાં પેટ્રો અને તેમના પરિવાર પર ડ્રગ ટ્રાફિકિંગના આરોપ હેઠળ પ્રતિબંધો લાદ્યા ત્યારથી સ્થિતિ ગંભીર બની છે. કોલંબિયા વિશ્વમાં કોકેનનો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવાથી અમેરિકા હંમેશા ત્યાંના શાસકો પર દબાણ બનાવતું રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે પેટ્રોના શાસનમાં કોકેનનું ઉત્પાદન વધી રહ્યું છે જે સીધું અમેરિકામાં ઠલવાય છે. બીજી તરફ, પેટ્રો આ આક્ષેપોને અમેરિકી સામ્રાજ્યવાદનો ભાગ ગણાવી રહ્યા છે અને માદુરોની ધરપકડને ગેરકાયદેસર કહીને લોકશાહીની હત્યા ગણાવી રહ્યા છે.

આ સંઘર્ષ હવે માત્ર નિવેદનો પૂરતો મર્યાદિત રહ્યો નથી, કારણ કે વ્હાઇટ હાઉસ દ્વારા માદુરોની ધરપકડનો મજાક ઉડાવતો વીડિયો બહાર પાડ્યા પછી લેટિન અમેરિકન દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો અમેરિકા કોલંબિયામાં પણ સૈન્ય કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે, તો પેરુ અને બોલિવિયા જેવા પાડોશી દેશોની સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની 'ડ્રગ વોર' નીતિ હવે સીધી રીતે લેટિન અમેરિકાના સાર્વભૌમત્વ સાથે અથડાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર અત્યારે અમેરિકાના આગામી કદમ પર છે, કારણ કે પેટ્રોએ રચેલો 'ગેરિલા જંગ'નો મનસૂબો આખા ક્ષેત્રને હિંસાની આગમાં ધકેલી શકે છે.

(10:47 PM IST)