News of Tuesday, 6th January 2026
ટ્રમ્પની 'ગ્રીનલેન્ડ' કબજે કરવાની જીદ પર યુરોપનો વજ્રઘાત: સાત શક્તિશાળી દેશોએ અમેરિકાને બતાવ્યો અરીસો
વેનેઝુએલામાં લશ્કરી હસ્તક્ષેપ બાદ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર જમાવ્યો દાવો: પણ ફ્રાન્સ અને જર્મની સહિતના સાથી દેશોએ સાર્વભૌમત્વના પાઠ ભણાવ્યા:

બર્લિન : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની "અમેરિકા ફર્સ્ટ" નીતિ હવે ભૌગોલિક સીમાઓ ઓળંગીને વિવાદોનું કેન્દ્ર બની રહી છે. વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની નાટકીય ધરપકડ અને લશ્કરી કાર્યવાહીને 'શાંતિ મિશન' ગણાવ્યા બાદ, ટ્રમ્પે હવે ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડ પર પોતાની નજર બગાડી છે. એરફોર્સ વન પર પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે રશિયા અને ચીનના વધતા પ્રભાવનું બહાનું ધરીને ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેમના આ નિવેદને એટલાન્ટિકની પેલે પાર યુરોપિયન દેશોમાં રોષની જ્વાળા ભડકાવી છે અને દાયકાઓ જૂના મિત્ર દેશો હવે સામસામે આવી ગયા છે.
ટ્રમ્પના આક્રમક વલણના જવાબમાં ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્કે એક અત્યંત કડક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આ સાત દેશોના વડાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગ્રીનલેન્ડ કોઈ જંગમ મિલકત નથી કે જેનો સોદો કરી શકાય. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર મેર્ઝે આ વલણને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર ત્યાંના સ્થાનિક લોકો અને ડેનમાર્ક પાસે છે, અને કોઈપણ બાહ્ય દબાણ સ્વીકારવામાં આવશે નહીં.
યુરોપિયન નેતાઓએ આર્કટિક ક્ષેત્રની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે યાદ અપાવ્યું કે નાટો (NATO) ના માળખા હેઠળ આ વિસ્તારની સુરક્ષા સામૂહિક રીતે સુનિશ્ચિત થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1951ની સુરક્ષા સંધિ મુજબ અમેરિકા ચોક્કસપણે એક ભાગીદાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સાર્વભૌમ દેશોની સરહદોમાં ફેરફાર કરી શકે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને ઈટાલિયન વડા પ્રધાન મેલોનીએ પણ સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરને સર્વોપરી ગણાવ્યું છે, જે ટ્રમ્પની વિસ્તારવાદી વિચારધારા સામે સીધો પડકાર છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુકાબલો તીવ્ર બની રહ્યો છે, કારણ કે ટ્રમ્પે દાવો કર્યો છે કે યુરોપિયન યુનિયન પોતે ઈચ્છે છે કે અમેરિકા ગ્રીનલેન્ડનું નિયંત્રણ લે. જોકે, યુરોપના આ સાત દિગ્ગજ દેશોની એકતાએ ટ્રમ્પના દાવાને પોકળ સાબિત કર્યો છે. વેનેઝુએલામાં થયેલી હિંસા અને માદુરોની પત્ની ઘાયલ થવાની ઘટના બાદ માનવાધિકાર સંગઠનો પણ ટ્રમ્પ વહીવટીતંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પ પોતાની જીદ પર અડગ રહે છે કે પછી સાથી દેશોના વિરોધને પગલે પોતાના કદમ પાછા ખેંચે છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
