<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ગ્રીનલેન્ડ પર અમેરિકા લશ્કરી ચડાઈ કરવા નથી માંગતું, પરંતુ ખરીદી લેવા માંગે છે: વિદેશ મંત્રી માર્કો રુબિયો

વ્હાઇટ હાઉસે ગ્રીનલેન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું ગણાવ્યું: સેનેટરો સાથેની બેઠકમાં વિદેશ મંત્રીની સ્પષ્ટતા : ચીન અને રશિયાની ગતિવિધિઓને રોકવા અમેરિકા ગ્રીનલેન્ડને પોતાનું બનાવવા માંગે છે: ૨૦૨૬ માં ફરીથી ગ્રીનલેન્ડનો મુદ્દો ગરમાયો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ડેન્માર્કના તાબા હેઠળના વિશાળ ટાપુ 'ગ્રીનલેન્ડ'ને હસ્તગત કરવાની ઈચ્છા વ્યક્ત કરતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, આ વખતે ઉભા થયેલા વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયોએ અમેરિકન સાંસદો સમક્ષ મહત્વની સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર સૈન્ય આક્રમણ કરવા નથી માંગતા, પરંતુ તેઓ તેને સત્તાવાર રીતે ખરીદવા માંગે છે.

તાજેતરમાં 'ન્યૂઝ ફર્સ્ટ' અને વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વહેતા થયેલા અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગ્રીનલેન્ડને હસ્તગત કરવાની બાબતને રાષ્ટ્રીય સુરક્ષાની 'ટોચની પ્રાથમિકતા' ગણાવી છે.

 * ખરીદવું છે, આક્રમણ નથી કરવું: અમેરિકન સાંસદો અને નેતાઓ વચ્ચે એવી ચિંતા હતી કે શું અમેરિકા ગ્રીનલેન્ડ પર બળજબરી કરશે? આ અંગે સ્પષ્ટતા કરતા વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિનો ઈરાદો ગ્રીનલેન્ડ પર ચડાઈ કે આક્રમણ કરવાનો નથી, પરંતુ તેઓ તેને ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે." તેમણે આને એક 'રિયલ એસ્ટેટ ડીલ'ની જેમ જોવા અનુરોધ કર્યો હતો.

 * રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો: વ્હાઇટ હાઉસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્કટિક મહાસાગરના વિસ્તારમાં ચીન અને રશિયાની વધતી જતી લશ્કરી ગતિવિધિઓને કારણે અમેરિકા ચિંતિત છે. ગ્રીનલેન્ડનું ભૌગોલિક સ્થાન અમેરિકાની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે, તેથી ટ્રમ્પ તેને અમેરિકાનો ભાગ બનાવવા માંગે છે.

 * વ્હાઇટ હાઉસનું નિવેદન: વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ પણ સમર્થન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ગ્રીનલેન્ડ મેળવવું એ કોઈ શોખ નહીં પણ ગંભીર રાષ્ટ્રીય જરૂરિયાત છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે 'લશ્કરી વિકલ્પો' પણ હંમેશા ખુલ્લા હોય છે, પરંતુ રુબિયોના નિવેદન પરથી ફલિત થાય છે કે હાલ ફોકસ 'ખરીદી' પર છે.

 * ભૂતકાળમાં પણ કરી હતી ઓફર: અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ગ્રીનલેન્ડ ખરીદવાનો વિચાર રજૂ કર્યો હતો, જેને તે સમયે ડેન્માર્કે મજાકમાં ઉડાવી દીધો હતો. પરંતુ હવે ૨૦૨૬માં ફરી સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પે આ મુદ્દાને વધુ ગંભીરતાથી આગળ ધપાવ્યો છે.

 

 * ખનીજ સંપત્તિ પર નજર: ગ્રીનલેન્ડમાં બરફની નીચે અત્યંત કિંમતી ખનીજો અને રેર અર્થ તત્વોનો ભંડાર છે, જે ટેકનોલોજી અને સંરક્ષણ સાધનો માટે જરૂરી છે. અમેરિકા આ સંપત્તિ પર ચીનનું વર્ચસ્વ જમાવવા દેવા માંગતું નથી.

 

આમ, અમેરિકાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે મિત્ર દેશ ડેન્માર્ક સાથે યુદ્ધ કરવા નથી માંગતું, પરંતુ ગ્રીનલેન્ડને ડોલરના જોરે ખરીદીને પોતાની સરહદ સુરક્ષિત કરવા માંગે છે.

(10:11 AM IST)