<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કોપરના ભાવમાં વધારો એસી ના ભાવ ૧૦% સુધીનો વધશે

ડોલરના ભાવ વધારાની અસર ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીનના ભાવ પર દેખાશે

મુંબઈ,તા.૦૭: છેલ્‍લા એક મહિનાથી કોપરના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે એસીના ભાવમાં સીધો ૧૦ ટકાનો વધારો થવાનો છે. તેના લીધે કેન્‍દ્ર સરકાર દ્વારા ઈલેક્‍ટ્રોનિક ચીજવસ્‍તુઓ પર વસૂલવામાં આવતા ૨૮ ટકા જીએસટીમાં ઘટાડો કરીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હતી. તેનો લાભ ગ્રાહકોને મળતો હતો, પરંતુ કોપરના ભાવમાં વધારાના કારણે તે ઘટાડાનો લાભ ધોવાય જાય તેવા સંજોગો ઊભા થયા છે. જોકે આ ભાવ વધારો હાલમાં લાગુ થયો નથી, પરંતુ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી ભાવ વધારાનો અમલ થવાની શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે.

છેલ્‍લા એક મહિનામાં કોપરના ભાવમાં કિલોએ ૨૦૦ રૂપિયા કરતાં વધુનો વધારો થયો છે. તેમજ આગામી દિવસોમાં તે વધારો યથાવત રહેવાની શક્‍યતા રહેલી છે. જ્‍યારે એસી બનાવવા માટે કોપરનો સૌથી વધુ વપરાશ થતો હોય છે. એક તરફ કોપરના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે એસીમાં વપરાશ કરતા કોપરને કારણે એસીના ભાવમાં પણ વધારો કરવાની ઉત્‍પાદકોને ફરજ પડી છે. જોકે હાલમાં તેની અસર ૨૦ દિવસ સુધી દેખાવાની શક્‍યતા ઓછી છે. તે માટેનું કારણ એવું છે કે મોટાભાગના ઈલેક્‍ટ્રોનિક વેપારીઓએ પહેલેથી જ એસીની ખરીદી કરી છે. જયાં સુધી તેનું વેચાણ નહીં થાય ત્‍યાં સુધી જૂના ભાવમાં જ એસીનું વેચાણ કરવામાં આવશે. જોકે નવા ભાવથી ખરીદી કરવામાં આવ્‍યા બાદ એસીના વેચાણમાં ૧૦ ટકાનો વધારો થવાની શક્‍યતા રહેલી છે. જેથી તે અસર ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી લાગુ કરવામાં આવે તેમ છે. આ ઉપરાંત ડોલરના ભાવમાં પણ થયેલા વધારાના કારણે ટીવીના ભાવમાં બેથી ત્રણ ટકા, ફ્રીઝ અને વોશિગ મશીનના ભાવમાં પણ બેથી ત્રણ ટકાનો વધારો આગામી દિવસોમાં લાગુ કરવામાં આવનાર છે. 

ભાવ વધારાની અસર થોડા દિવસોમાં બજારમાં દેખાશે

જીએસટીના દર બદલાવાના કારણે ગ્રાહકોએ ટીવી, ફ્રીઝ, એસી. મશીન સહિતના ઉત્‍પાદકની સારી એવી ખરીદી કરી હતી. જ્‍યારે કોપરના ભાવમાં વધારો થવાના લીધે એસીના ભાવમાં ૧૦ ટકા સુધી વધારો થવાનો છે. જ્‍યારે ડોલરમાં થતા ઉતાર ચઢાવની પણ અસર ઇલેક્‍ટ્રોનિક ચીજવસ્‍તુ પર થોડા દિવસોમાં ભાવ વધારા રૂપે જોવા મળશે. (ઇલેક્‍ટ્રોનિકના વેપારી)

 

(10:24 AM IST)