<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

માથાભારે દુલ્‍હનઃ ગુંડાઓ લઈને સાસરિયામાં આવી, સાસુ-સસરાને મારપીટ કરી દહેજમાં આપેલી બાઈક લઈ ગઈ

ચાવી મળી નહીં તો બાઈકને બીજી બાઈક સાથે બાંધીને ઢસડીને ઘરે લઈ ગઈઃ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

છતરપુર,તા.૦૭: મધ્‍ય પ્રદેશના છતરપુર જિલ્‍લાના સિવિલ લાઈન વિસ્‍તારમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક દુલ્‍હન પોતાના પિતા અને કથિત ગુંડા સાથે સાસરિયામાં આવી પહોંચી અને સાસુ-સસરા સાથે મારપીટ કરી દહેજમાં આપેલી બાઈક ઉઠાવી ગઈ. ચાવી મળી નહીં તો બાઈકને બીજી બાઈક સાથે બાંધીને ઢસડીને ઘરે લઈ ગઈ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સિવિલ લાઈન વિસ્‍તારના નવા ચંદ્રપુરાના રહેવાસી લક્ષ્મણ કુશવાહાના લગ્ન ૪ માર્ચ ૨૦૨૪ના રોજ હિન્‍દુ રીતિ રિવાજ અનુસાર રોશની કુશવાહા સાથે થયા હતા. આ લગ્ન રોશનીના પિયર જનકપુરમાં ધામધૂમથી થયા હતા. તેમાં દહેજમાં બાઈક પણ આપી હતી. પણ આ વૈવાહિક સંબંધ ખાલી ૧૦ મહિના જ ચાલ્‍યો હતો.

કહેવાય છે કે ૨૭ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ રોશની કુશવાહા પોતાના પતિ, સાસુ-સસરા સાથે ઝઘડો કર્યો. પતિ લક્ષ્મણે આરોપ લગાવ્‍યો કે આ ઝઘડા બાદ રોશનીએ પોતાના પિતાને બોલાવી લીધા. સસરા કિશનલાલ તેમના ઘરે આવ્‍યા અને પિસ્‍તોલ બતાવીને દીકરીને સાથે લઈ ગયા.

આગળ જણાવ્‍યું કે તેના એક વર્ષ બાદ ૨ જાન્‍યુઆરી ૨૦૨૬ના રોજ રોશની કુશવાહા પોતાના પિતા લક્ષ્મણ કુશવાહા અને અમુક લોકો સાથે આવ્‍યા અને સાસુ-સસરા સાથે મારપીટ કરી અને દહેજમાં આપેલી બાઈક પણ લઈ ગયા, બાઈકની ચાવી ન મળી તો બીજી બાઈક સાથે બાંધીને ઢસડીને લઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પીડિત પતિ લક્ષ્મણ કુશવાહાનું કહેવું છે કે આ ઘટનાની ફરિયાદ નોંધાવા માટે સિવિલ લાઈન પોલીસ ચોકીએ ગયા, પણ હાલમાં પોલીસે તપાસનું આશ્વાસન આપી અરજી રાખી લીધી છે. પતિનો આરોપ છે કે, તેને તેની પત્‍ની અને સાસરિયા પક્ષ તરફથી જીવનું જોખમ છે. પીડિત પતિનું એવું કહેવું છે કે તે પોતાની પત્‍ની સાથે રહેવા માગે છે અને પત્‍ની પણ તેની સાથે રહેવા માગે છે, પણ સાસરિયા પક્ષના લોકો તેમને શાંતિથી જીવવા દેતા નથી.

તો વળી સાસુ જાનકી કુશવાહાનો આરોપ છે કે વહુના પિતાએ તેમનો હાથ પકડીને ઢસડ્‍યા, જેના કારણે તેમને હાથમાં ઈજા થઈ ગઈ. લોહી નીકળી ગયું. હાલમાં પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે. વાયરલ વીડિયો સામે આવ્‍યા બાદ સમગ્ર વિસ્‍તારમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે

(10:30 AM IST)