News of Wednesday, 7th January 2026
સોના-ચાંદી કરતા પણ મોંઘું છે ‘લીલું મધ'
એક કિલોની કિંમત સાંભળીને આંખો પહોળી થઈ જશે! : લીલા મધની સૌથી મોટી વિશેષતા તેની રેરનેસ એટલે કે દુર્લભતા છેઃ સાથે જ આ મધ મેળવવાની પ્રક્રિયા પણ અત્યંત ખતરનાક છે

નવી દિલ્હી તા.૭: સોના-ચાંદી જેટલું કિમતી કોઈ મધ હોઈ શકે? સાંભળવામાં અજીબ લાગે પણ આ સત્ય છે. મોટાભાગના લોકો સોનેરી કલરના મધથી પરિચિત હશે, પરંતુ લીલું મધ કુદરતનો એક દુર્લભ ચમત્કાર છે. જોકે, આ મધ ઓછું જોવા મળે છે, એટલે તેની કિમત પણ સામાન્ય લોકો સાંભળે તો આંખો પહોળી થઈ જાય. આ મધની ખાસિયત તેની દુર્લભતા છે. તે ભાગ્યે જ જોવા મળે છે કારણ કે તેને બનાવતી મધમાખીઓની સંખ્યા ખૂબ ઓછી છે. હકીકતમાં આ લીલું મધ ત્યારે બને છે, જ્યારે મધમાખીઓ લીલા રંગના ફૂલોનો રસ ચૂસે છે, જે ખૂબ ઓછી વાર બને છે.
લીલું મધ મુખ્યત્વે ખાસ ફૂલોના નેક્ટર(રસ)માંથી બને છે. નેપાળના હિમાલયી વિસ્તારોમાં રોડોડેન્ડ્રોન ફૂલોમાંથી મળતું મેડ હની ગ્રેયનોટોક્સિનથી ભરપૂર હોય છે. આ મધ આછો લીલો અથવા ઘાટો ગ્રીન ટિન્ટ ધરાવતું હોઈ શકે છે. તેનો રંગ જંગલી ફૂલો, ખનિજો અથવા પર્યાવરણને કારણે આવે છે. મલેશિયાના કુદાત અને ઈટાલી જેવા સ્થળોએ સ્પાઈરુલિના ભેળવીને બનાવેલું ગ્રીન હની પણ ઉપલબ્ધ છે, પરંતુ અસલી દુર્લભ લીલું મધ કુદરતી હોય છે. નેપાળનું મેડ હની તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં વિશાળ હિમાલયી મધમાખીઓ ૩૫૦૦ મીટરથી વધુ ઊંચાઈએ ખડકો પર મધપૂડા બનાવે છે. ગુરુંગ સમુદાયના શિકારીઓ વાંસની સીડીઓથી જોખમી ચઢાણ કરીને આ મધ એકઠું કરે છે. આ કામ વર્ષમાં માત્ર બે વાર થાય છે, અને એક કિલો મધ બનાવવામાં મધમાખીઓની આખી જિંદગી નીકળી જાય છે. તેની કિમત ૧૦૦ ગ્રામ માટે ૨૦૦ ડોલર સુધી પહોંચી જાય છે, એટલે કે સોના-ચાંદીની જેમ લાખો રૂપિયા થાય છે!
આ મધ માત્ર મીઠું જ નથી હોતું, પરંતુ તે હળવી નશા જેવી અસર પણ આપે છે અને, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, અને સ્ટ્રેસમાં રાહત મળે છે. જોકે, વધુ પડતું ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. દુનિયાના સૌથી મોંઘા મધમાં તુર્કીનું એલ્વિશ હની અને સેન્ટોરી હની પણ સામેલ છે, જે ૨૫૦૦ મીટર ઊંચી ગુફાઓમાં બને છે. તેની કિમત ૧૦,૦૦૦ યુરો પ્રતિ કિલો સુધી જાય છે. આ મધ પણ લીલાશ પડતા અને ખાસ ટિન્ટ વાળા હોય છે. ભારતના હિમાલયી જંગલોમાં પણ જંગલી મધ મળે છે, પણ લીલું મધ ખૂબ ઓછું જોવા મળે છે
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
