News of Wednesday, 7th January 2026
ભારતીય ફૂટબોલ ચાહકો માટે રાહતના સમાચાર: લાંબી અનિશ્ચિતતા બાદ આખરે ISL ના પુનરાગમનની જાહેરાત, પણ પડકારોનો પહાડ યથાવત
નાણાકીય કટોકટી અને ટૂંકા ફોર્મેટ વચ્ચે ૧૪ ફેબ્રુઆરીથી મેદાન ગાજશે; ક્લબ માલિકોએ ખેલાડીઓ પાસે માંગી 'બલિદાન'ની અપેક્ષા

નવી દિલ્હી, તા.૦૭ : મહિનાઓ સુધી ચાલેલી અસમંજસ અને અંધકાર બાદ આખરે ભારતીય ફૂટબોલપ્રેમીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઇન્ડિયન સુપર લીગ (ISL) ની નવી સીઝન આગામી ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જોકે, આ વખતે લીગનું સ્વરૂપ બદલાયેલું અને પડકારોથી ભરેલું હશે. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ AIFF (ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન) દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, આ સીઝન સિંગલ લેગ ફોર્મેટ પર આધારિત હશે, જેમાં કુલ ૯૧ મેચો રમાશે.
આ સીઝન શરૂ તો થઈ રહી છે, પરંતુ તે તેની સાથે અનેક વણઉકેલ્યા પ્રશ્નો લઈને આવી છે. લાંબા વિરામને કારણે ઘણા વિદેશી ખેલાડીઓ અન્ય દેશોની લીગ તરફ વળી ગયા છે, જેની અસર રમતની ગુણવત્તા પર પડી શકે છે. સૌથી મોટો પ્રશ્ન મેચોના સ્થળનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ મેચો ગોવા જેવા એક જ સ્થળે યોજવાની હિલચાલ હતી, પરંતુ લોજિસ્ટિકલ કારણોસર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત, બેંગલુરુ FC અને કેરળ બ્લાસ્ટર્સ જેવી હાઈ-વોલ્ટેજ ડર્બી મેચો ક્યાં રમાશે, તે અંગે પણ ચાહકોમાં ઉત્સુકતા અને ચિંતા છે.
આર્થિક રીતે આ સીઝન ફ્રેન્ચાઇઝીઓ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે. AIFF પાસે હાલમાં કોઈ વ્યાપારી ભાગીદાર ન હોવાથી, ક્લબોએ સીઝનનો ૬૦ ટકા ખર્ચ (આશરે ૨૫ કરોડ રૂપિયા) પોતે ભોગવવો પડશે. બેંગલુરુ FC ના માલિક પાર્થ જિંદાલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે જો ખેલાડીઓ પગાર કે અન્ય બાબતોમાં 'બલિદાન' નહીં આપે, તો ઘણી ક્લબોને કાયમ માટે તાળા મારવાની નોબત આવી શકે છે. સુનિલ છેત્રી અને ગુરપ્રીત સિંહ સંધુ જેવા દિગ્ગજોએ પણ ભારતીય ફૂટબોલના અસ્તિત્વ માટે FIFA પાસે મદદની ગુહાર લગાવી છે.
બીજી તરફ, આ ટૂંકી સીઝન વિજેતા ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) ના નિયમો મુજબ, ચેમ્પિયન્સ લીગમાં પ્રવેશ મેળવવા માટે અમુક નિશ્ચિત મેચો રમવી અનિવાર્ય છે. માત્ર ૧૨-૧૩ મેચોની આ લીગ બાદ ભારતીય ક્લબને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. હાલ પૂરતું, ભારતીય ફૂટબોલને 'ડેડલોક' માંથી બહાર કાઢવા માટે આ એક 'જુગાડ' જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેનું ભવિષ્ય આવનારા વિવાદો અને નાણાકીય સ્થિરતા પર નિર્ભર રહેશે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
