News of Wednesday, 7th January 2026
ભારત-યુરોપીયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે તુરતમાં મળશે ખુશખબરીઃ થશે હસ્તાક્ષર
અમેરિકાએ એક દરવાજો બંધ થતાં ભારત માટે અનેક દરવાજા ખુલશે : મહિનાઓની મંત્રણા બાદ ભારત અને યુરોપ વચ્ચે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' સફળતાના આરેઃ ભારતીય નિકાસકારો અને ઉદ્યોગો માટે યુરોપના દ્વાર ખૂલશેઃ ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હીઃ ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઈ જવા માટે મોદી સરકાર દ્વારા ચાલી રહેલા પ્રયાસોમાં વધુ એક સફળતા મળતી દેખાઈ રહી છે. વિશ્વસનીય સૂત્રો અને ‘ન્યૂઝ ફર્સ્ટ' ના અહેવાલ મુજબ, ભારત અને યુરોપિયન યુનિયન (ઈ.યુ.) વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) ની વાટાઘાટો હવે અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે.
ડિજિટલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, બંને પક્ષો વચ્ચેના તમામ મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સધાઈ ચૂકી છે અને આવતા મહિને આ ઐતિહાસિક કરાર પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
આર્થિક નિષ્ણાતોના મતે, આ કરાર થવાથી ભારતીય ઉદ્યોગો માટે નીચે મુજબના ફાયદા થશે
નિકાસમાં વધારોઃ ભારતના કાપડ ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી, અને કૃષિ ઉત્પાદનો માટે યુરોપના ૨૭ (સત્તાવીસ) દેશોનું મોટું બજાર સરળતાથી ઉપલબ્ધ થશે.
ટેક્સમાં રાહતઃ ભારતીય વસ્તુઓ પર યુરોપમાં લાગતી ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) ઘટશે, જેનાથી ભારતીય સામાન ત્યાં સસ્તો થશે અને સ્પર્ધામાં ટકી શકશે.
રોકાણઃ યુરોપિયન કંપનીઓ માટે ભારતમાં રોકાણ કરવું સરળ બનશે, જેનાથી દેશમાં રોજગારીની તકો વધશે.
જોકે, યુરોપિયન યુનિયન પણ બદલામાં ભારત પાસે વાહનો અને વાઈન (દારૂ) જેવી પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઘટાડવાની માંગ કરી રહ્યું છે, જેના પર સરકાર સમજી વિચારીને આગળ વધી રહી છે. આવતા મહિને આ કરાર પર મહોર વાગતાની સાથે જ ભારત વૈશ્વિક વેપારમાં એક મોટી છલાંગ લગાવશે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
