News of Wednesday, 7th January 2026
e-KYCની સાથે ફાર્મર ID પણ ફરજીયાત
હવે સરકારે AgriStack દ્વારા ખેડૂતોનો ડિજિટલ ડેટાબેઝ બનાવવાનું નક્કી કર્યુ

નવી દિલ્હી, તા.૭: દેશભરના લાખો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયા સહાય પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધી એવું હતું કે, જે ખેડૂતોએ તેમનું e-KYC પૂરૂ કર્યું હોય અને જમીન દસ્તાવેજો લિંક કર્યા હોય તો તેમને કોઈપણ અવરોધ વગર પૈસા મળતા. પરંતુ આ નિયમોમાં એક ફેરફાર કરાયો છે.જો તમે તેની પર ધ્યાન નહીં આપો તો તમારા આગામી હપ્તા આવવામાં મોડું થઇ શકે છે. રીપોર્ટ મુજબ, સરકારે હવે e-KYC ની સાથે ફાર્મર ID પણ ફરજિયાત કર્યું છે.
રીપોર્ટ મુજબ માત્ર તમારા KYC ને અપડેટ કરવું પૂરતું નહીં રહે. હવે સરકારે AgriStack દ્વારા ખેડૂતોનો ડિજિટલ ડેટાબેઝ બનાવવાનું નક્કી કર્યું છે. મતલબ કે, જો તમારી પાસે ફાર્મર ID નથી તો સિસ્ટમ તમને આગામી હપ્તાના લીસ્ટમાંથી બાકાત કરી શકે છે. જેમાં સરકારનો ઉદ્દેશ્ય એ છે કે,વચેટિયાઓને દૂર કરવા અને ખાતરી કરવી કરવી કે માત્ર તે જ લોકો જે સાચે જ ખેતરમાં મહેનત કરી રહ્યા છે તેમને ૨૦૦૦ રૂપિયાનો હપ્તો મળે.
જે રીતે આધાર કાર્ડ તમારી ઓળખ છે એવી રીતે આ ફાર્મર ID તમારા સમગ્ર ખેતીની હિસ્ટ્રી બતાવશે. આ યુનિક ID માં માત્ર તમારું નામ કે સરનામું જ નહીં હોય પણ તેમાં તમારી પાસે કેટલી જમીન છે, તમે કયા પાક ઉગાડો છો, તમે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરો છો અને તમે પશુપાલન પણ કરો છો કે નહીં તે પણ રેકોર્ડ કરશે. મતલબ કે, સરકાર માત્ર એક ક્લિકથી જાણી શકશે કે કયો ખેડૂત શું પકવી રહ્યો છે. તેનાથી ભવિષ્યમાં ખાતર અને બીજની અછત અને અન્ય સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદ મળશે.
આ નવી સિસ્ટમને લઇ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. સરકારે આ સિસ્ટમ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને ઓપ્શન આપ્યા છે. જો તમને મોબાઈલથી આ કામ કેવી રીતે કરવું તે ખબર હોય તો તમે AgriStack વેબસાઇટની મુલાકાત લઈને ઘરે બેઠા તમારૂ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જ્યાં તમારે આધારનો ઉપયોગ કરીને e-KYC પૂરૂ કરવાનું અને તમારા ખેતરની માહિતી ભરવાની રહેશે. એના માટે તમારા જમીનના દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
આ સિવાય આ કામ માટે દેશના વિવિધ રાજ્યોમાં કેમ્પ લગાવવામાં આવશે. જ્યા તમારે તમારા આધાર કાર્ડ અને જમીનના દસ્તાવેજો બતાવવાના રહેશે. અહીંયા અધિકારીઓ તમારી ડીટેલ સ્થળ પર જ વેરીફાઈ કરશે અને તમારું યુનિક ફાર્મર ID જનરેટ કરશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
