<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ભારતીય ખેતીમાં રવિ પાકનો મજબૂત જુવાળ: દેશભરમાં વાવેતરનો આંકડો ૬૩૪ લાખ હેક્ટરને પાર, ખેડૂતોમાં ભારે ઉત્સાહ

ગયા વર્ષની સરખામણીમાં વાવેતર વિસ્તારમાં ૧૬ લાખ હેક્ટરનો તોતિંગ વધારો; ઘઉં અને કઠોળના ઉત્પાદનમાં રેકોર્ડ સર્જાવાની આશા

નવી દિલ્હી, તા.૦૭ : ભારતભરના ખેતરોમાં આ વર્ષે રવિ પાકનો મજબૂત અને હરિયાળો નજારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ રવિ સિઝનમાં વાવેતર પ્રક્રિયામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીના ડેટા અનુસાર, દેશમાં કુલ રવિ પાકનું વાવેતર ૬૩૪ લાખ હેક્ટરથી વધુના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. કૃષિ નિષ્ણાતો આ વૃદ્ધિને ગ્રામીણ અર્થતંત્ર માટે અત્યંત હકારાત્મક સંકેત માની રહ્યા છે.

મંત્રાલયના અહેવાલ મુજબ, ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં આ વખતે વાવેતર વિસ્તારમાં ૧૬ લાખ હેક્ટરનો સીધો વધારો નોંધાયો છે. રવિ પાકના રાજા ગણાતા 'ઘઉં'નું વાવેતર ૩૧૨ લાખ હેક્ટરથી વધુ જમીન પર કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં અનાજના ભંડાર છલકાઈ જવાની આશા જગાડે છે. આ ઉપરાંત, ડાંગર (ચોખા) નું વાવેતર ૪૨ લાખ હેક્ટરમાં નોંધાયું છે. સૌથી વધુ આશાસ્પદ પાસું કઠોળના વાવેતરમાં જોવા મળ્યું છે, જે ગયા વર્ષના ૧૩૦ લાખ હેક્ટરથી વધીને આ વર્ષે ૧૪૦ લાખ હેક્ટર સુધી પહોંચી ગયું છે, જે પ્રોટીન સુરક્ષાની દિશામાં એક મોટું ડગલું છે.

માત્ર મુખ્ય પાકો જ નહીં, પરંતુ સરકારના વિશેષ પ્રોત્સાહન હેઠળ 'શ્રી અન્ન' એટલે કે બરછટ અનાજ અને તેલીબિયાંના વાવેતરમાં પણ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ૫૫ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બરછટ અનાજ અને ૮૬ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં તેલીબિયાંનું વાવેતર સંપન્ન થયું છે. હવામાનની અનુકૂળતા અને સિંચાઈની સુવિધાઓમાં સુધારાને કારણે ખેડૂતોએ આ વર્ષે વિવિધ પાકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો વાતાવરણ આગામી મહિનાઓમાં પણ સાનુકૂળ રહેશે, તો ભારત આ સિઝનમાં બમ્પર કૃષિ ઉત્પાદન તરફ આગળ વધશે તે નક્કી છે.

(3:56 PM IST)