News of Wednesday, 7th January 2026
ઉત્તર ભારત ઠંઠર્યું: IMD દ્વારા આગામી ૪૮ કલાક માટે 'કોલ્ડ વેવ'ની ભારે ચેતવણી, તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે
ગાઢ ધુમ્મસને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો; દિલ્હી તરફ જતી ૫૦થી વધુ ટ્રેનો મોડી પડતા મુસાફરો મુશ્કેલીમાં

નવી દિલ્હી, તા.૦૭ : સમગ્ર ઉત્તર ભારત અત્યારે કડકડતી ઠંડીની લપેટમાં છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ પ્રજા માટે આગામી બે દિવસ વધુ સાવધ રહેવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન અને ઓડિશામાં આગામી ૪૮ કલાક દરમિયાન તીવ્ર ઠંડીનું મોજું (Cold Wave) ફરી વળવાની શક્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ કાતિલ ઠંડી ખેડૂતો અને સામાન્ય જનજીવનને પ્રભાવિત કરશે. હવામાન વિભાગના મતે, દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
ઠંડીની સાથે સાથે 'ઝીરો વિઝિબિલિટી' સર્જતા ગાઢ ધુમ્મસે પણ મુશ્કેલીમાં વધારો કર્યો છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 'અતિ ગાઢ ધુમ્મસ'ની આગાહી કરવામાં આવી છે, જ્યારે હિમાચલ, ઉત્તરાખંડ અને બિહાર જેવા રાજ્યો પણ ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા રહેશે. પહાડી વિસ્તારોમાંથી આવતા બરફીલા પવનોને કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જનજીવન થીજી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પૂરતી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
ધુમ્મસની સૌથી વધુ અસર પરિવહન સેવાઓ પર જોવા મળી રહી છે. દૃશ્યતા (Visibility) અત્યંત ઓછી હોવાને કારણે ઉત્તર રેલવેનો વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારથી જ દિલ્હી આવતી ૫૦ થી વધુ ટ્રેનો નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે, જેના કારણે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ અને હાલાકી જોવા મળી રહી છે. હવાઈ મુસાફરી પર પણ ધુમ્મસની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓને એરપોર્ટ પર જવા નીકળતા પહેલા શિડ્યુલ તપાસી લેવા સલાહ આપવામાં આવી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
