<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો યથાવત: ચોરીની શંકામાં ટોળાએ પીછો કરતા ડરના માર્યા નહેરમાં કૂદેલા હિન્દુ યુવાનનું કરુણ મોત

પૈસા છીનવ્યા હોવાના પાયાવિહોણા આરોપ સાથે ભીડે મિથુન સરકારને નિશાન બનાવ્યો; ૨૪ કલાક બાદ નહેરમાંથી લાશ મળી આવતા તણાવ

નાઓગાંવ, તા.૦૭ : પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલા અને ભેદભાવની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં નાઓગાંવ જિલ્લાના મહાદેવપુર ઉપજિલ્લામાં ૨૫ વર્ષીય હિન્દુ યુવાન મિથુન સરકારનું અત્યંત શંકાસ્પદ સંજોગોમાં કરુણ મોત નિપજ્યું છે. સ્થાનિક લોકોના એક ઉશ્કેરાયેલા ટોળાએ ચોરી અને પૈસા છીનવી લેવાની શંકાના આધારે મિથુનનો પીછો કર્યો હતો, જેનાથી ગભરાઈને પોતાનો જીવ બચાવવા તે નહેરમાં કૂદી પડ્યો હતો, જ્યાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.

આ હૃદયદ્રાવક ઘટના રવિવારે બપોરે હચકગૌરી બજાર વિસ્તારમાં બની હતી. મૃતક મિથુન સરકાર ભંડારપુર ગામના પિંકુ સરકારનો એકમાત્ર પુત્ર હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બપોરે ૧ વાગ્યાની આસપાસ સ્થાનિક યુવાનોના એક જૂથે મિથુન પર ચોરીનો આરોપ લગાવી બજારમાં તેની પાછળ દોડવાનું શરૂ કર્યું હતું. ભીડના રોષથી બચવા મિથુન નજીકની નહેર તરફ ભાગ્યો અને ઉંડા પાણીમાં ઝંપલાવ્યું હતું. તે કૂદ્યા બાદ તરત જ પાણીમાં ગુમ થઈ ગયો હતો, જે બાદ મંગળવારે બપોરે રાજશાહીથી આવેલી મરજીવાની ટીમે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે અને હિન્દુ સમુદાયમાં રોષની સાથે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. નાઓહાટા પોલીસ ચોકીના ઇન્ચાર્જ ગુલામ મુસ્તફાએ જણાવ્યું હતું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ભીડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પાછળના મૂળ કારણોની તપાસ કરવામાં આવશે. જોકે, બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનોને ટાર્ગેટ કરવાની આ વધતી ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો પર સવાલો ઉભા કર્યા છે.

(4:03 PM IST)