News of Wednesday, 7th January 2026
ટેક જાયન્ટ Nvidia નો માસ્ટર પ્લાન: ચીન સાથેના ચિપ બિઝનેસમાં મોટો વળાંક, CEO જેન્સેન હુઆંગે 'ખરીદીના ઓર્ડર' ને ગણાવ્યા મંજૂરીનો સંકેત
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધ ઉઠાવવાના નિર્ણય બાદ H200 ચિપ્સની ચીની બજારમાં ભારે માંગ; સપ્લાય ચેઈન તેજ કરી દેવાઈ

લાસ વેગાસ, તા.૦૭ : લાસ વેગાસમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ટેક શો 'CES 2026' માં Nvidia ના CEO જેન્સેન હુઆંગે એક મહત્વની જાહેરાત કરી છે. હુઆંગે સ્પષ્ટ કર્યું છે કે ચીનની સરકાર ભલે ઔપચારિક રીતે યુએસ કંપનીની H200 ચિપ્સની આયાત અંગે કોઈ મોટી જાહેરાત ન કરે, પરંતુ વધતા જતા ખરીદીના ઓર્ડર એ વાતનો પુરાવો હશે કે ચીનમાં આ અદ્યતન AI ચિપ્સના આગમનને લીલી ઝંડી મળી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અગાઉના કડક પ્રતિબંધોમાં આપેલી છૂટ બાદ, Nvidia હવે ચીની બજારમાં ફરી સક્રિય થવાની તૈયારીમાં છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હુઆંગે જણાવ્યું હતું કે, "અમે કોઈ સત્તાવાર પ્રેસ રિલીઝની અપેક્ષા રાખતા નથી. જો ખરીદીના ઓર્ડર આવી રહ્યા છે, તો તેનો સીધો અર્થ છે કે કંપનીઓ ઓર્ડર આપી શકે છે." ચીની ગ્રાહકોમાં H200 ચિપ્સની માંગ અત્યંત ઊંચી હોવાથી કંપનીએ તેની સપ્લાય ચેઈનને વધુ ઝડપી બનાવી દીધી છે. કંપનીના CFO કોલેટ ક્રેસે પણ ઉમેર્યું કે યુએસ સરકાર લાયસન્સ અરજીઓ પર ઝડપથી કામ કરી રહી છે, જે આશાસ્પદ સંકેત છે.
ભવિષ્યના આયોજન વિશે વાત કરતા જેન્સેન હુઆંગે જણાવ્યું કે Nvidia અને વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની TSMC માટે આગામી વર્ષ ખૂબ જ મોટું રહેવાનું છે. કંપનીએ તેની આગામી 'વેરા રુબિન' જનરેશન માટે અત્યારથી જ ૫૦૦ બિલિયન ડોલરના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, હુઆંગે ટૂંક સમયમાં ઇઝરાયલની મુલાકાત લેવાની પણ જાહેરાત કરી છે, જ્યાં કંપની તેનું કર્મચારીબળ બમણું કરવાની અને સંભવિતપણે 'AI21 Labs' જેવી કંપનીઓને હસ્તગત કરવાની યોજના ધરાવે છે. વૈશ્વિક AI ક્રાંતિમાં Nvidia પોતાનું એકહથ્થુ શાસન સ્થાપવા માટે હવે એશિયા અને મધ્ય પૂર્વના બજારો પર પકડ મજબૂત કરી રહી છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
