News of Wednesday, 7th January 2026
એટલાન્ટિક સમુદ્રમાં રશિયા-અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ: એક તેલ ટેન્કરને બચાવવા પુતિને મોકલી પરમાણુ સબમરીન અને નૌસેના
અમેરિકી કોસ્ટ ગાર્ડ દ્વારા 'શેડો ફ્લીટ' ના ટેન્કરનો ફિલ્મી ઢબે પીછો; રશિયાએ ચેતવણી આપી - "અમારા જહાજને અટકાવવાનું બંધ કરો"

વોશિંગ્ટન, તા.૦૭ : એટલાન્ટિક મહાસાગરના ઊંડા પાણીમાં અત્યારે રશિયા અને અમેરિકા વચ્ચે રમત રમાઈ રહી છે જે કોઈ હોલીવુડની થ્રિલર ફિલ્મથી ઓછી નથી. રશિયાએ તેના એક જૂના તેલ ટેન્કર 'મરીનેરા' (અગાઉનું નામ બેલા-૧) ને અમેરિકા દ્વારા જપ્ત થતું બચાવવા માટે અત્યંત આક્રમક પગલું ભરતા ત્યાં સબમરીન અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. આ જહાજ વેનેઝુએલા નજીક અમેરિકાની નાકાબંધીમાંથી બચીને નીકળ્યા બાદ હવે ખુલ્લા સમુદ્રમાં બંને મહાસત્તાઓ વચ્ચે ટકરાવનું કેન્દ્ર બન્યું છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકી કોસ્ટ ગાર્ડના જહાજો છેલ્લા બે અઠવાડિયાથી આ રશિયન ટેન્કરનો પીછો કરી રહ્યા છે. અમેરિકાનો દાવો છે કે આ ટેન્કર રશિયાના 'શેડો ફ્લીટ' (ગુપ્ત કાફલો) નો ભાગ છે, જેનો ઉપયોગ પ્રતિબંધિત તેલના કાળાબજાર માટે કરવામાં આવે છે. ડિસેમ્બરમાં જ્યારે અમેરિકી અધિકારીઓએ જહાજ પર ચઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે રશિયન ક્રૂએ તેનો જોરદાર પ્રતિકાર કર્યો હતો. ત્યારબાદ રાતોરાત જહાજનું નામ બદલી દેવામાં આવ્યું અને તેના હલ (નીચલા ભાગ) પર રશિયન રાષ્ટ્રધ્વજ પેઇન્ટ કરી તેને સત્તાવાર રીતે રશિયન રજિસ્ટ્રેશન હેઠળ લાવી દેવામાં આવ્યું છે.
આ ગતિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે કારણ કે ટેન્કર આઇસલેન્ડથી ૩૦૦ માઇલ દક્ષિણમાં રશિયાના મુર્મન્સ્ક બંદર તરફ આગળ વધી રહ્યું છે અને તેની સુરક્ષામાં રશિયન સબમરીન ગોઠવાયેલી છે. રશિયન વિદેશ મંત્રાલયે વોશિંગ્ટનને સ્પષ્ટ શબ્દોમાં આ પીછો અટકાવવા કહી દીધું છે, જ્યારે અમેરિકાનું સધર્ન કમાન્ડ કોઈપણ પ્રતિબંધિત જહાજ સામે કાર્યવાહી કરવા માટે સજ્જ હોવાનું જણાવી રહ્યું છે. યુક્રેન યુદ્ધને લીધે પહેલેથી જ તણાવમાં રહેલા આ બંને દેશો વચ્ચે હવે સમુદ્રની મધ્યમાં તેલ ટેન્કર મામલે સર્જાયેલો આ 'ડેડલોક' ગમે ત્યારે મોટા વિવાદનું રૂપ લઈ શકે છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
