News of Wednesday, 7th January 2026
"સલાહ આપવાનું બંધ કરો, પહેલા તમારા પોતાના પ્રદેશોની હિંસા જુઓ": ઓપરેશન સિંદૂર પર પશ્ચિમી દેશોના 'દંભ' પર એસ. જયશંકરનો પ્રચંડ પ્રહાર
ભારતની સુરક્ષા અને લશ્કરી કાર્યવાહી પર મફત જ્ઞાન આપતા દેશોને વિદેશ મંત્રીએ અરીસો બતાવ્યો; લક્ઝમબર્ગની ધરતી પરથી વૈશ્વિક મંચ ગજવ્યો

લક્ઝમબર્ગ, તા.૦૭ : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પોતાના આગવા અને તેજાબી અંદાજમાં પશ્ચિમી દેશોને આડે હાથ લીધા છે. પાકિસ્તાન સામે ભારતની તાજેતરની લશ્કરી કાર્યવાહી 'ઓપરેશન સિંદૂર' ને લઈને પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા આપવામાં આવતી 'મફત સલાહ' અને ચિંતા પર વળતો પ્રહાર કરતા જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પશ્ચિમી દેશોએ ભારતને જ્ઞાન આપવાને બદલે પોતાના પ્રદેશોમાં વ્યાપેલી હિંસા અને અસ્થિરતા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે પશ્ચિમના બેવડા ધોરણોને ખુલ્લા પાડતા કહ્યું કે, આ દેશો ફક્ત ત્યાં જ કાર્ય કરે છે જ્યાં તેમનો સ્વાર્થ હોય છે.
જયશંકરે પશ્ચિમી દેશોના વલણ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, "તમે તમારા પોતાના પ્રદેશ તરફ કેમ નથી જોતા? ત્યાં હિંસાનું સ્તર શું છે અને તમે કેટલું જોખમ લઈ રહ્યા છો તે જુઓ. બાકીની દુનિયા તમારા કૃત્યો વિશે કેટલી ચિંતિત છે તેનો પણ વિચાર કરો." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પશ્ચિમી દેશો ઘણીવાર એક વાત કહે છે અને બીજી વાત કરે છે. ભારતે હવે આવી બાહ્ય ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતોને સર્વોપરી રાખીને નીતિઓ ચાલુ રાખવી જોઈએ.
નોંધનીય છે કે, મે ૨૦૨૫ માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK માં ઘૂસીને નવ આતંકવાદી છાવણીઓનો સફાયો કર્યો હતો. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીના જે દાવા કર્યા છે તેને પણ ભારતે સરેઆમ નકારી દીધા છે. લક્ઝમબર્ગની મુલાકાતે ગયેલા જયશંકરે આંતરરાષ્ટ્રીય સ્તરે એ વાત સાબિત કરી દીધી છે કે નવું ભારત પોતાની સુરક્ષા માટે કોઈની પણ સલાહનું મહોતાજ નથી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
