News of Wednesday, 7th January 2026
અંકિતા ભંડારી કેસમાં ભાજપ નેતા દુષ્યંત ગૌતમને દિલ્હી હાઈકોર્ટની મોટી રાહત: કોંગ્રેસ અને AAP ને વિવાદાસ્પદ પોસ્ટ હટાવવા કડક આદેશ
"VIP" તરીકે નામ જોડતી તમામ સોશિયલ મીડિયા સામગ્રી ૨૪ કલાકમાં દૂર કરો; કોર્ટે વિપક્ષી પાર્ટીઓને ભવિષ્યમાં આવી ટિપ્પણી કરવા સામે રોક્યા

નવી દિલ્હી, તા.૦૭ : ચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં ભાજપના રાષ્ટ્રીય સચિવ દુષ્યંત કુમાર ગૌતમને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી કાનૂની સફળતા મળી છે. કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ને આદેશ આપ્યો છે કે તેઓ અંકિતા ભંડારી કેસ સાથે દુષ્યંત ગૌતમને જોડતી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ૨૪ કલાકની અંદર હટાવી લે. ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલા માનહાનિના મુકદ્દમા પર સુનાવણી કરતા કોર્ટે વિપક્ષી પક્ષોની ટીકાઓને પાયાવિહોણી ગણાવી છે.
ન્યાયાધીશ મીની પુષ્કર્ણાએ આ વચગાળાનો આદેશ પસાર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, બંને રાજકીય પક્ષો અંકિતા ભંડારી કેસમાં દુષ્યંત ગૌતમને કથિત 'VIP' તરીકે દર્શાવીને તેમને લક્ષ્ય બનાવતી કોઈપણ નવી સામગ્રી પોસ્ટ કરી શકશે નહીં. આ આદેશ માત્ર પક્ષો પૂરતો મર્યાદિત નથી, પરંતુ કોર્ટે ઉર્મિલા સનાવર અને ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહિત અન્ય સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ આવી વાંધાજનક પોસ્ટ કરવાથી રોકી દીધી છે.
દુષ્યંત ગૌતમે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમની છબી ખરાબ કરવા માટે રાજકીય હેતુથી તેમને આ ગંભીર હત્યા કેસ સાથે જોડવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટે તેમની દલીલોને ગ્રાહ્ય રાખીને વિપક્ષી નેતાઓ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા અટકાવ્યા છે. આ ચુકાદાને કારણે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ડિજિટલ પ્લેટફોર્મ પરથી દુષ્યંત ગૌતમ વિરુદ્ધના તમામ આક્ષેપો દૂર કરવા પડશે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
