News of Wednesday, 7th January 2026
બેંગલુરુના ધારાસભ્ય સી.કે. રામામૂર્તિનું ફેસબુક હેક: હેકર્સે નકલી ઈન્સ્ટાગ્રામ બનાવી યુવતીઓને 'ગુડ મોર્નિંગ' મેસેજ મોકલવાનું શરૂ કર્યું
રાજકીય કારકિર્દી ખતમ કરવાનું મોટું ષડયંત્ર; ધારાસભ્યએ પોલીસ ફરિયાદ નોંધી કોંગ્રેસના કાર્યકરો સામે વ્યક્ત કરી આશંકા

બેંગલુરુ, તા.૦૭ : કર્ણાટકના જયનગર મતવિસ્તારના ધારાસભ્ય સી.કે. રામામૂર્તિ સાયબર અપરાધીઓનો શિકાર બન્યા છે. બુધવારે ધારાસભ્યએ સીએન સાઉથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા હેકર્સે તેમનું સત્તાવાર ફેસબુક આઈડી હેક કરી લીધું છે. એટલું જ નહીં, હેકર્સે તેમના નામે એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને અજાણી મહિલાઓ અને યુવતીઓને મેસેજ મોકલવાનું શરૂ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્યએ આ સમગ્ર મામલાને તેમની સામાજિક પ્રતિષ્ઠા ખરડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું છે.
ધારાસભ્ય રામામૂર્તિના જણાવ્યા અનુસાર, હેકર્સે તેમના નકલી એકાઉન્ટ દ્વારા એક મહિલાને "ગુડ મોર્નિંગ" જેવા સંદેશા મોકલ્યા હતા જેથી લોકોમાં તેમની છબી ખરાબ થાય. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, "બદમાશોએ માત્ર એકાઉન્ટ હેક જ નથી કર્યું, પણ તે પરત કરવા માટે પૈસાની પણ માંગણી કરી છે. આ હુમલો મારી રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે." ધારાસભ્યએ આ ઘટના પાછળ વિપક્ષ કોંગ્રેસના કેટલાક કાર્યકરોની સંડોવણી હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે આ હેકિંગ થયું ત્યારે રામામૂર્તિ એક સંબંધીના અકસ્માતને કારણે હોસ્પિટલમાં વ્યસ્ત હતા, તેથી તેમને તાત્કાલિક જાણ થઈ ન હતી. જ્યારે તેમના સમર્થકો અને ફોલોઅર્સે તેમને આ વિચિત્ર મેસેજ વિશે ચેતવ્યા ત્યારે તેમને સમગ્ર મામલાની ગંભીરતા સમજાઈ હતી. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી સાયબર ક્રાઈમ વિભાગની મદદથી નકલી એકાઉન્ટ ડિલીટ કરવા અને હેકર્સ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
