<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ભારતીય એન્જિનિયરોનો અદભૂત ચમત્કાર: NHAI એ હાઈવે નિર્માણમાં સર્જ્યા બે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ', દુનિયા જોતી રહી ગઈ

માત્ર ૨૪ કલાકમાં ૨૯ કિમી લાંબો રસ્તો બનાવી ઇતિહાસ રચી દીધો; ૧૦ હજાર મેટ્રિક ટન કોંક્રિટ પાથરીને વિશ્વને બતાવી ભારતની શક્તિ

અમરાવતી, તા.૦૭ : ભારતની માળખાગત સુવિધાઓના નિર્માણમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આંધ્રપ્રદેશ અને કર્ણાટકને જોડતા બેંગલુરુ-કડપા-વિજયવાડા ઈકોનોમિક કોરિડોર પર કામ કરતા એકસાથે બે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' પોતાના નામે કરી લીધા છે. વનાવોલુ-વણકરકુંટા સેક્શન પર હાથ ધરવામાં આવેલા આ મિશનમાં ભારતીય ટીમે સમય અને ગુણવત્તાના તમામ માપદંડોને પાછળ છોડીને વિશ્વ સ્તરે ભારતની વધતી જતી એન્જિનિયરિંગ ક્ષમતાનો પરચો આપ્યો છે.

પ્રથમ રેકોર્ડ માત્ર ૨૪ કલાકના ટૂંકા ગાળામાં સતત ૨૯ લેન કિલોમીટર સુધી બિટ્યુમિનસ કોંક્રિટ નાખવા બદલ આપવામાં આવ્યો છે, જે અત્યાર સુધીનું સૌથી લાંબુ અંતર છે. આ જ સમયગાળા દરમિયાન ટીમે ૧૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કોંક્રિટનો જથ્થો વાપરીને બીજો વર્લ્ડ રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યો છે. NHAI ના જણાવ્યા મુજબ, ૩૪૩ કિલોમીટર લાંબો આ કોરિડોર દક્ષિણ ભારતના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે, જેનાથી વેપાર અને પર્યટનને વેગ મળવાની સાથે મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટશે.

આ ઐતિહાસિક સફળતા બદલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વ અને ફિલ્ડ પર કામ કરતા ઇજનેરો તથા મજૂરોની અથાગ મહેનતને બિરદાવી છે. તેમણે જણાવ્યું કે, આ સિદ્ધિ ભારત સરકારના વિશ્વ-સ્તરીય હાઈવે નેટવર્ક બનાવવાના વિઝનનું જીવંત ઉદાહરણ છે. રસપ્રદ વાત એ છે કે, NHAI ના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી અને હાલમાં આ જ હાઈવે પર વધુ બે નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે.

 

(4:22 PM IST)