News of Wednesday, 7th January 2026
"જેઓ મારું સન્માન કરે છે તેઓ મને 'મિસ્ટર પ્રેસિડેન્ટ' કહે છે": ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના મેક્રોનની મજાક ઉડાવી, પીએમ મોદીનો પણ કર્યો ઉલ્લેખ
દવાઓના ભાવ અને ટેરિફ મુદ્દે ટ્રમ્પનું આક્રમક તેવર; મેક્રોનની નકલ કરી સંભળાવી વાર્તા અને ભારત પર લાદેલા ૫૦% ટેરિફ પાછળનું ગણિત સમજાવ્યું

વોશિંગ્ટન, તા.૦૭ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ અને મજાકિયા અંદાજને કારણે ચર્ચામાં છે. વોશિંગ્ટન ડી.સી.માં હાઉસ જીઓપી (GOP) સભ્યોને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે જે લોકો ખરેખર તેમનો આદર કરે છે, તેઓ તેમને "શ્રી રાષ્ટ્રપતિ" (Mr. President) કહીને સંબોધે છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતના કિસ્સાઓ સંભળાવીને હોલમાં હાસ્યનું મોજું ફેરવી દીધું હતું, સાથે જ પોતાની 'ટેરિફ પોલિસી'નો પ્રભાવ પણ દેખાડ્યો હતો.
ટ્રમ્પે મેક્રોનની મજાક ઉડાવતા કહ્યું કે, જ્યારે તેમણે અમેરિકન દવાઓના ભાવ ફ્રાન્સમાં વધારવા કહ્યું, ત્યારે મેક્રોને પહેલા "ના" પાડી હતી. પરંતુ જ્યારે ટ્રમ્પે ફ્રાન્સની વાઈન અને શેમ્પેઈન પર ૨૫ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી, ત્યારે મેક્રોન તરત જ માની ગયા. મેક્રોનની નકલ કરતા ટ્રમ્પે કહ્યું કે, "એમેન્યુઅલે મને કહ્યું - ડોનાલ્ડ, તમારી પાસે સોદો છે, મને ભાવ વધારવામાં સન્માન મળશે." ટ્રમ્પના મતે, ટેરિફની ધમકી આપતા જ મેક્રોનનો ઇનકાર માત્ર ૩.૨ મિનિટમાં સંમતિમાં બદલાઈ ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા ટ્રમ્પે સ્વીકાર્યું કે પીએમ મોદી તેમનાથી "ખૂબ ખુશ નથી". ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ ભારત પર કુલ ૫૦ ટકા ટેરિફ લાદ્યા છે, જેમાં રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલા ૨૫ ટકા ટેરિફનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું, "મોદી મને મળવા આવ્યા અને વિનંતી કરી. મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ હવે તેઓએ ઘણા બધા ટેરિફ ચૂકવવા પડી રહ્યા છે." ટ્રમ્પનું આ ભાષણ દર્શાવે છે કે તેઓ આગામી સમયમાં 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ મિત્ર દેશો પર પણ ટેરિફનું દબાણ વધારવાનું ચાલુ રાખશે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
