News of Wednesday, 7th January 2026
હિમવર્ષા વચ્ચે BRO ના જવાનોનો જંગ: ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ 'પીર કી ગલી' માં યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી તેજ
કાશ્મીરને જોડતો વ્યૂહાત્મક 'મુઘલ રોડ' ભારે બરફવર્ષાને કારણે ૭ દિવસથી બંધ; માઈનસ ડિગ્રી તાપમાનમાં મશીનરી સાથે માર્ગ ખુલ્લો કરવા મથામણ

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષાએ જનજીવન થંભાવી દીધું છે, પરંતુ દેશની સરહદો અને સંપર્ક માર્ગો સાચવતા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના જવાનો અત્યારે કુદરત સામે આકરી લડાઈ લડી રહ્યા છે. કાશ્મીર ખીણ અને પીર પંજાલ પ્રદેશને જોડતો અત્યંત મહત્વનો 'મુઘલ રોડ' છેલ્લા સાત દિવસથી વાહનો માટે બંધ છે, જેને ફરી શરૂ કરવા માટે ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા 'પીર કી ગલી' વિસ્તારમાં બરફ હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
૩૧ ડિસેમ્બરથી શોપિયાન-પૂંચ પટ પર ટ્રાફિક સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવ્યો છે. રસ્તાઓ પર બરફના જાડા સ્તરો જામી ગયા હોવાથી અને લપસણી સ્થિતિને કારણે વાહનોની અવરજવર અત્યંત જોખમી બની છે. કાતિલ ઠંડી અને બર્ફીલા પવનો વચ્ચે પણ BRO ના કર્મચારીઓ ભારે મશીનરી અને સ્નો કટર સાથે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બરફના પહાડો ચીરીને રસ્તો શક્ય તેટલી વહેલી તકે ટ્રાફિક માટે યોગ્ય બનાવવાનો છે.
મુઘલ રોડ માત્ર એક રસ્તો નથી, પરંતુ તે કાશ્મીર ખીણ માટે એક મહત્વપૂર્ણ વૈકલ્પિક લિંક છે. જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકનું ભારણ વધે અથવા કોઈ સમસ્યા સર્જાય, ત્યારે આ માર્ગ જીવનરેખા સામાન સાબિત થાય છે. વહીવટીતંત્રે હાલમાં પ્રવાસીઓ અને સ્થાનિકોને આ માર્ગ પર ન જવાની સલાહ આપી છે. BRO ના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો હવામાન સાથ આપશે તો આગામી થોડા દિવસોમાં માર્ગ ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
