News of Wednesday, 7th January 2026
ભારતીય અર્થતંત્રની હરણફાળ: ૨૦૨૬માં દેશનો GDP ૭.૪% ના દરે દોડશે, વિશ્વના નકશા પર ભારત બનશે 'ગ્રોથ એન્જિન'
ઉત્પાદન અને સેવા ક્ષેત્રના દમદાર દેખાવથી આર્થિક મોરચે મોટો ઉછાળો; ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટ પૂર્વે દેશ માટે સૌથી સારા સમાચાર

નવી દિલ્હી :વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ આગોતરા અંદાજ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી (GDP) ૭.૪ ટકાના પ્રભાવશાળી દરે વૃદ્ધિ પામવાની ધારણા છે. પાછલા વર્ષના ૬.૫ ટકાના વિકાસ દરની તુલનામાં આ ૦.૯ ટકાનો જંગી વધારો દર્શાવે છે, જે સૂચવે છે કે ભારતીય અર્થતંત્ર હવે નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે.
આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) ના અહેવાલ મુજબ, આ તેજી પાછળનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) અને કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્રનો શાનદાર દેખાવ છે, જે ૭ ટકાના દરે વિકાસ પામશે તેવો અંદાજ છે. સૌથી વધુ મજબૂતી સેવા ક્ષેત્રમાં જોવા મળી રહી છે, જે ૭.૩ ટકાના ગ્રોથ રેટ સાથે અર્થતંત્રના મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી આવ્યું છે. જોકે, કૃષિ અને વીજળી જેવા ક્ષેત્રોમાં આ વર્ષે મધ્યમ વૃદ્ધિ જોવા મળી શકે છે.
મહત્વની વાત એ છે કે, ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પૂર્વે આ આંકડાઓ અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. વર્તમાન ભાવો પર નોમિનલ જીડીપી પણ ૮ ટકાના દરે વધવાનો અંદાજ છે, જે સરકારની નાણાકીય નીતિઓ અને રોકાણકારોના વિશ્વાસને વધુ મજબૂત બનાવશે. અર્થશાસ્ત્રીઓના મતે, ભારતની આ ગતિ તેને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં ટોચના સ્થાને જાળવી રાખવામાં મદદ કરશે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
