News of Wednesday, 7th January 2026
તુર્કમાન ગેટ હિંસામાં નવો વળાંક: સપા સાંસદ મોહિબુલ્લાહ નદવી પોલીસ રડારમાં, હિંસા પહેલાની તેમની રહસ્યમય મુલાકાત પર ઉઠ્યા સવાલ
બુલડોઝર ચાલ્યું તેના ગણતરીના કલાકો પહેલા જ સાંસદ ઘટનાસ્થળે કેમ પહોંચ્યા? પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા બાદ હવે ખાખી વર્દી 'એક્શન મોડ' માં

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી સૈયદ ફૈઝ ઇલાહી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવા દરમિયાન થયેલા પથ્થરમારા અને હિંસાની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ મોહિબુલ્લાહ નદવીની ભૂમિકાને લઈને શંકાની સોય તેમની તરફ વળી છે. દિલ્હી પોલીસ હવે તપાસ કરી રહી છે કે મંગળવારની એ રાત્રે સાંસદની હાજરી અને ત્યારબાદ ફાટી નીકળેલી હિંસા વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ.
ઘટનાની વિગત મુજબ, મંગળવારે રાત્રે જ્યારે MCD ની ટીમ અતિક્રમણ દૂર કરવા માટે પહોંચી, ત્યારે સ્થિતિ તંગ બની ગઈ હતી. જોઈન્ટ કમિશનર મધુર વર્માના જણાવ્યા અનુસાર, સાંસદ મોહિબુલ્લાહ નદવી રાત્રે ૧૧:૧૫ વાગ્યે ઘટનાસ્થળે આવ્યા હતા. તેઓ ત્યાં એક કલાક રોકાયા, સ્થાનિક લોકો સાથે ગુપ્ત મિટિંગ કરી અને બરાબર ૧૨:૧૫ વાગ્યે દિલ્હી છોડીને યુપી જવા રવાના થઈ ગયા. તેમના ગયાના ગણતરીના કલાકોમાં જ બુલડોઝર ઓપરેશન શરૂ થતા બદમાશોએ પોલીસ પર ભીષણ પથ્થરમારો કર્યો હતો, જેમાં પાંચ પોલીસકર્મીઓ લોહીલુહાણ થયા હતા.
પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પાંચ શખ્સોની અટકાયત કરી છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે સાંસદની મુલાકાતનો સમય અને ત્યારબાદ થયેલો હુમલો એ માત્ર સંયોગ છે કે કોઈ મોટું કાવતરું, તેની ઊંડી તપાસ કરવામાં આવશે. સ્થાનિક લોકોના વોટ્સએપ ચેટ્સ અને કોલ ડિટેલ્સ પણ ચકાસવામાં આવી રહી છે. બીજી તરફ, આ મામલે સપા સાંસદ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ દિલ્હી પોલીસ હવે તેમની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
