<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

હરિદ્વારમાં ગરમાયું રાજકારણ: "ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર લાગે પૂર્ણ પ્રતિબંધ", સાધ્વી પ્રાચીની સરકાર પાસે મોટી માંગ

અર્ધકુંભ મેળા પૂર્વે સાધ્વી પ્રાચીનો હુંકાર; પવિત્ર સ્થળો પર 'જેહાદી' ગતિવિધિઓ વધતી હોવાનો ગંભીર આક્ષેપ, સુરક્ષા અને ગરિમા જાળવવા કડક કાયદાની અપીલ

હરિદ્વાર : વર્ષ ૨૦૨૭માં યોજાનારા પ્રતિષ્ઠિત અર્ધકુંભ મેળા પહેલા દેવભૂમિ ઉત્તરાખંડમાં એક નવો વિવાદ છેડાયો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) ના ફાયરબ્રાન્ડ નેતા સાધ્વી પ્રાચીએ હરિદ્વારના પવિત્ર ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સરકાર પાસે ઉગ્ર માંગ કરી છે. સાધ્વી પ્રાચીના આ નિવેદને ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
સાધ્વી પ્રાચીના જણાવ્યા અનુસાર, હરિદ્વાર જેવા પવિત્ર યાત્રાધામોની સુરક્ષા અને તેની ગરિમા જાળવી રાખવી એ સમયની માંગ છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે પવિત્ર ઘાટો અને ધાર્મિક સ્થળો પર અસામાજિક અને જેહાદી તત્વોની ગતિવિધિઓ સતત વધી રહી છે. સાધ્વીએ દાવો કર્યો છે કે અમુક તત્વો ધાર્મિક આયોજનોમાં અવરોધ ઊભો કરી શકે છે અને હિંદુ આસ્થાના પ્રતિક સમાન ગંગા ઘાટની પવિત્રતા જોખમાઈ શકે છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રાચી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે ઉત્તરાખંડ સરકાર દ્વારા ગેરકાયદેસર મદરેસાઓ અને મઝારો વિરુદ્ધ લેવાયેલા કડક એક્શનની પ્રશંસા પણ કરી હતી. તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે આગામી અર્ધકુંભ મેળા પહેલા સુરક્ષાના કારણોસર ઘાટો પર ઓળખપત્રોની તપાસ કરવામાં આવે અને બિન-હિંદુઓને ત્યાંથી દૂર રાખવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડની ધામી સરકાર આ સંવેદનશીલ માંગ પર કેવો વલણ અપનાવે છે.

(6:45 PM IST)